
મોરબી : શહેરના સો-ઓરડી વિસ્તારમાં આવતીકાલે તા. 15 મે, 2026ના રોજ સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્વારા ૧૧ દીકરીઓનો છઠ્ઠો સામૂહિક લગ્નોત્સવ ભવ્ય આયોજન સાથે યોજાવા જઈ રહ્યો છે. સામાજિક સમરસતા અને સેવાભાવના આ ઉમદા કાર્યમાં વિવિધ સમાજના નવદંપતીઓ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિએ જોડાશે.

આ લગ્નોત્સવનું આયોજન પરશુરામ પોટરી, સો-ઓરડી, વાતાવરણ-2 ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમ મુજબ સવારે 07:00 કલાકે જાન આગમન થશે, ત્યારબાદ સવારે 10:00 કલાકે હસ્તમેળાપની વિધિ યોજાશે. સવારે 11:00 કલાકથી સતત સમારંભ શરૂ થશે અને બપોરે 01:00 કલાકે જાન વિદાય થશે.

સમસ્ત હિન્દુ સેવા ગ્રુપના જયેશભાઈ સોમાના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ સમૂહ લગ્નમાં ઉદ્યોગપતિ જીતુભાઈ ધરજીયા, જે.પી. ફાઉન્ડેશનના પ્રભાબેન, સમાજસેવક જયેશભાઈ રાઠોડ તથા માલધારી સેલના સેવક હરીભાઈ રાયજાદા સહિતના આગેવાનો આયોજક તરીકે સેવા આપી રહ્યા છે.

આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ખાટક પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ જંજવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ કવાડિયા સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવશે. ઉપરાંત શહેરના વિવિધ અગ્રણીઓ, કોર્પોરેટરો અને સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ કાર્યક્રમમાં હાજરી આપશે.

સામૂહિક લગ્નમાં નવદંપતીઓને ગૃહસ્થ જીવનની શરૂઆત માટે દાતાશ્રીઓના સહયોગથી સોનાના દાણા, સાડીઓ, સ્ટીલના વાસણો, સીલિંગ ફેન, વોટર કૂલર સહિતની વિવિધ હોમવખરીની ચીજવસ્તુઓ ભેટરૂપે આપવામાં આવશે. ઉપરાંત રસોડા ઉપયોગી સામગ્રીનું પણ યોગદાન આપવામાં આવ્યું છે.
સમૂહ લગ્નના આંગણે લગ્નગીતોની રમઝટ જામશે, જેમાં કૃપાલી વાઘાણી અને અરુણા ઠાકોર જેવા કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી પ્રસંગને રંગતભર્યો બનાવશે.
























