
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સઘન સફાઈની કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વરસાદ બંધ થયાના બે દિવસ બાદ પણ શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી, કાદવ-કીચડ અને ગટરના પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. તંત્ર દ્વારા અંદાજે ૫૦૦ જેટલા સફાઈ કામદારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, છતાં અનેક વિસ્તારોમાં સફાઈ કામગીરી અસરકારક રીતે થઈ ન હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.


શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી અને ગંદકીના કારણે કાદવ-કીચડ ફેલાઈ જતાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલીક જગ્યાએ સફાઈ કામગીરી માત્ર દેખાડા પૂરતી મર્યાદિત રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

નટરાજ ફાટક નજીક લાલબાગ સેવા સદન તરફ જતાં મુખ્ય માર્ગ પર છેલ્લા સાત દિવસથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. તાલુકા સેવા સદન અને કોર્ટ તરફ જવાનો આ મુખ્ય માર્ગ હોવા છતાં રસ્તા પર કાદવ-કીચડના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી છે. સ્થાનિકો દ્વારા રજૂઆતો છતાં સમસ્યાનો નિકાલ થયો નથી.

નવલખી રોડ પર આવેલા લાયન્સ નગર વિસ્તારમાં હજુ પણ ગોઠણડૂબ પાણી ભરાયેલા છે. ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાથી કંટાળીને સ્થાનિકોએ તાજેતરમાં ચક્કાજામ પણ કર્યો હતો. અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હોવા છતાં બીજા દિવસે પણ પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી.

મોરબીની મુખ્ય શાક માર્કેટ અને તેની પાછળ આવેલા લોહાણાપરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બજારમાં પાણી ભરાઈ રહેતા વેપારીઓ અને ખરીદી કરવા આવતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ રોગચાળો ફેલાવાની ભીતિ પણ વધી રહી છે.

મહેન્દ્રપરા વિસ્તારના અયોધ્યાપુરી મેઈન રોડ પર મચ્છુ માતાના મંદિર સામે કાદવ-કીચડનો મોટો ભરાવો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં નાના બાળકો રમતા હોવાથી તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની અને ચેપી રોગો ફેલાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઔદ્યોગિક વિસ્તાર ગણાતા લાતી પ્લોટમાં કપચી નાખવામાં આવી હોવા છતાં યોગ્ય લેવલિંગ ન થતાં તેમજ ગટરની લાઈનના ખોદકામ બાદ રસ્તાનું સમારકામ યોગ્ય રીતે ન કરવામાં આવતા ભારે કાદવ સર્જાયો છે. ભારે વાહનોની અવરજવર વચ્ચે દરરોજ અનેક વાહનો કાદવમાં ફસાઈ જતા ઉદ્યોગકારો અને વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ ઉપરાંત વીસીપરા મેઈન રોડ તેમજ નવલખી પોર્ટ ઓફિસ નજીક પણ કાદવ-કીચડ, ગંદકી અને પાણીના તળાવડા જોવા મળી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી આ સ્થિતિને લઈને સ્થાનિકોએ મહાનગરપાલિકા તાત્કાલિક અસરકારક સફાઈ અભિયાન ચલાવી કાયમી ઉકેલ લાવે તેવી માંગ ઉઠાવી છે.

















