HomeAllમોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં યોગ્ય બુરાશ ન થતા રસ્તાઓ બિસ્માર, વાહનચાલકો પર...

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં યોગ્ય બુરાશ ન થતા રસ્તાઓ બિસ્માર, વાહનચાલકો પર અકસ્માતનો ખતરો

મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં રોડ રસ્તાની વર્ષો જૂની સમસ્યા વચ્ચે તાજેતરમાં પાણીની નવી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે પાઇપલાઇન નાખ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા ખાડાઓનું યોગ્ય રીતે બુરાશ ન કરવામાં આવતા સમગ્ર વિસ્તારના રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

માહિતી મુજબ લાતી પ્લોટ વિસ્તારમાં મઢુડા હોટલ વાળી શેરી તેમજ માસુમ હોસ્પિટલ પાસે પાણીની નવી લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ ખાડાઓમાં માત્ર માટી નાંખીને કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. નિયમ મુજબ ખાડાઓમાં યોગ્ય પ્રેશર સાથે બુરાશ કરવાની અને રોડને સમતળ બનાવવાની કામગીરી થવી જરૂરી હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ અંદરથી પાણી લીકેજ થતું રહેતા ખાડાઓની માટી સતત બેસી રહી છે, જેના કારણે રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે અકસ્માતનો ભય વધ્યો છે. અનેક વાહનો ફસાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી રહી હોવાનું જાણવા મળે છે.

સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક યોગ્ય બુરાશ કરી રસ્તાઓને સમતળ બનાવવાની તેમજ કામગીરીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments