
ભારતમાં 4 જુને એન્ટ્રી લીધા બાદ નૈઋત્ય ચોમાસુ ચાર દિવસ પછી નબળુ પડી ગયું હતું અને હજુ સ્થગીત જેવી દશામાં જ છે છતાં હવે આવતા સપ્તાહમાં સક્રિય થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. બીજી તરફ નબળા ચોમાસા છતાં તોફાની હવામાનથી મધ્ય પ્રદેશ, બિહાર તથા ઝારખંડમાં 16 લોકોના મોત નિપજ્યા હતા.

હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે આવતા સપ્તાહે 23 જુન સુધીમાં ચોમાસુ ફરી સક્રિય થઇ શકે છે. અત્યારની સ્થિતિએ કરેલ તામીલનાડુ ઉપરાંત સમગ્ર આંધ્ર પ્રદેશ તથા તેલંગાનાના અડધા ભાગો કવર થઇ ચૂક્યા છે.

23મી જુન આસપાસ, તેલગાનાને પણ કવર કરીને છતીસગઢ તરફ આગળ વધી શકે છે. વાસ્તવમાં ચોમાસુ 19 રાજ્યોમાં પહોંચી ગયું હોવા છતાં ગત 8મી જુનથી તેલંગાના પાસે અટકેલું છે અર્થાત 12 દિવસથી સ્થગીત છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત આઠ રાજ્યોમાં પ્રિ-મોન્સુન એક્ટીવીટી છતાં તાપમાન ઉંચુ છે.

હવામાન વિભાગ મુજબ મહારાષ્ટ્ર, તેલંગણા ઓડિશા, ઝારખંડ, બિહાર તથા છતીસગઢના અમુક ભાગોમાં ચોમાસા માટે જરૂરી પરિબળો સાનુકુળ બનવા લાગ્યા છે. આવતા ચાર-પાંચ દિવસમાં ચોમાસુ સક્રિય થઇને મહારાષ્ટ્ર, કર્ણાટક, છતીસગઢ તથા અન્ય ભાગોમાં આગળ ધપી શકે છે.

23 જુન આસપાસ મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ તથા બિહારના અમુક વધુ ભાગો તથા છતીસગઢના અમુક ભાગોમાં ચોમાસુ આગળ વધી શકે છે. આવતીકાલ સુધીમાં સબ હિમાલયન પશ્ચિમ બંગાળ તથા સિક્કીમમાં ભારેથી અતિ ભારે વરસાદ શક્ય છે. આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, તામીલનાડુ, પુડ્ડુચેરી તથા કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે એમ પણ સુચવ્યું છે કે, કોંકણ બેલ્ટમાં 24-25 જુન આસપાસ ચોમાસુ ગતિવિધિ વધી શકે છે. છેલ્લા દિવસોમાં મોન્સુન સરક્યુલેશન સંલગ્ન નીચલા લેવલના અરબી સમુદ્રના નબળા પવનને કારણે ભેજ ઓછો મળતા ચોમાસુ સ્થગીત થયું છે અને આગળ વધવા માટેના અનુકુળ પરિસ્થિતિ ઉભી થતી નથી. અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાં લો-પ્રેસર કે સાયકલોનિક સરક્યુલેશન પણ નથી ઉપરાંત ઓફર ટ્રફની પણ ગેરહાજરી છે.

પ્રવર્તમાન સ્થિતિએ ચોમાસાની અત્યાર સુધીની ખાદ્ય 37.9 ટકા રહી છે. 1 થી 17 જુન દરમિયાન 46.2 મીમી વરસાદ થયો છે. જે સામાન્ય રીતે 74.2 મીમી વરસતો હોય છે. રસપ્રદ વાત એ છે કે જ્યાં ચોમાસુ પ્રવેશ્યું નથી તેવા ઉત્તર-પશ્ચિમ ભાગમાં 3 ટકા વધુ વરસાદ છે. જ્યારે પૂર્વોત્તરમાં 44 ટકા, મધ્ય ભારતમાં 19 ટકાની ખાદ્ય છે.

તોફાની હવામાનથી 16ના મોત
દેશના મોટાભાગના ક્ષેત્રોમાં ચોમાસુ નબળુ બની ગયું છે. ચોમાસુ આગળ પણ વધતું નથી જ્યારે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જેવા ઘટનાક્રમોથી કેટલાંક રાજ્યોમાં તોફાની વાતાવરણ સર્જાયું છે. મધ્ય પ્રદેશ, બિહાર તથા ઝારખંડમાં વિજળી પડતા 16 લોકોના મોત નિપજ્યા હતા.





















