HomeAllરખડતા કૂતરાના ત્રાસ વિશે રાજ્યવ્યાપી મોનીટરીંગ : 4 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ માંગતી...

રખડતા કૂતરાના ત્રાસ વિશે રાજ્યવ્યાપી મોનીટરીંગ : 4 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ માંગતી હાઇકોર્ટ

અમદાવાદ: રાજ્યમાં વધી રહેલા રખડતા કૂતરાઓના ત્રાસ અને તેના નિયંત્રણને લઈને ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર હાઈકોર્ટે આ મામલે સુઓ મોટુ કાર્યવાહી હાથ ધરી છે, જેના ભાગરૂપે રાજ્યમાં રખડતા પ્રાણીઓની સમસ્યાનું સ્તરવાર નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

આ મામલે સુપ્રીમ કોર્ટે દેશભરની તમામ હાઈકોર્ટોને રખડતા કૂતરાઓની વ્યવસ્થાપન અંગેના આદેશોનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. આ સર્વોચ્ચ અદાલતના આદેશના પાલનમાં જ ગુજરાત હાઈકોર્ટે આ જાહેર હિતની અરજી નોંધી છે.

હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને નોટિસ પાઠવીને સ્પષ્ટતા માગી છે.

આ કાર્યવાહીના માધ્યમથી રાજ્ય સરકાર અને સ્થાનિક નાગરિક સંસ્થાઓ કે વહીવટી તંત્રને અત્યાર સુધી થયેલી કામગીરી તેમજ કાયદાકીય માળખા અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ ભવિષ્યની કાર્યવાહીનો રોડમેપ કોર્ટ સમક્ષ રજૂ કરવાની તક મળશે.

આ કેસની આગામી સુનાવણી આગામી 4 ઓગસ્ટના રોજ મુકરર કરવામાં આવી છે, અને તે તારીખ સુધીમાં સંબંધિત સત્તાવાળાઓએ પોતાનો પાલન અહેવાલ રેકોર્ડ પર મૂકવાનો રહેશે.

રખડતા કૂતરાઓ સંબંધિત અનેક અરજીઓ પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓને દૂર કરવાનો અગાઉનો આદેશ યથાવત રહેશે અને 2025માં આપવામાં આવેલ નિર્ણયનો અમલ ચાલુ રહેશે.

આ કેસમાં ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ મુદ્દો માત્ર કાનૂની નહીં પરંતુ જાહેર આરોગ્ય અને સલામતી સાથે સીધો જોડાયેલો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments