HomeAllરણમલપુરમાં કુદરતી વહેણ અવરોધાતા 2000 વીઘા પાક બરબાદ, કરોડોના નુકસાનથી ખેડૂતોમાં રોષ;...

રણમલપુરમાં કુદરતી વહેણ અવરોધાતા 2000 વીઘા પાક બરબાદ, કરોડોના નુકસાનથી ખેડૂતોમાં રોષ; ભૂખ હડતાળની ચીમકી

હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણમલપુર ગામમાં અતિભારે વરસાદ બાદ કુદરતી પાણીના વહેણમાં માનવસર્જિત અવરોધ ઉભો થતાં ખેડૂતો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એંજાર અને રણમલપુર ગામના સીમ વિસ્તારમાં આશરે 15થી 20 ફૂટ ઊંચો તથા 30 ફૂટ પહોળો બંધપાળો બનાવવામાં આવતા વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકી ગયો હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. પરિણામે રણમલપુર ગામમાં 4થી 5 ફૂટ સુધી પાણી ઘરો અને માર્ગો પર ફરી વળતાં જનજીવન પણ પ્રભાવિત બન્યું હતું.

વરસાદ બંધ થયાને ત્રણ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં બંધપાળાના કારણે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જેના કારણે અંદાજે 2000 વીઘા જમીનમાં વાવેતર કરાયેલા કપાસ તેમજ બાગાયતી પાક દાડમને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિને કારણે દર વર્ષે અંદાજે રૂ. 3.5થી 4 કરોડ જેટલું કૃષિ નુકસાન સહન કરવું પડે છે.

આ ગંભીર સમસ્યાને લઈ ગ્રામજનો દ્વારા અગાઉ અનેક વખત સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સંબંધિત અધિકારીઓએ સ્થળ મુલાકાત પણ લીધી હતી અને રાજ્યના મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રણમલપુરના ગ્રામજનો અને ખેડૂતોનું કહેવું છે કે, તાત્કાલિક ધોરણે બંધપાળો દૂર કરીને વરસાદી પાણીના કુદરતી નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો હળવદ મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરી ખાતે ભૂખ હડતાળ આંદોલન શરૂ કરવામાં આવશે. આંદોલન દરમિયાન સર્જાનારી કોઈપણ પરિસ્થિતિ માટે વહીવટી તંત્ર જવાબદાર રહેશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments