
રાજ્ય પર સર્જાયેલી એકથી વધુ વરસાદી સિસ્ટમથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વર્ષા થઈ છે. જેના કારણે 11 ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે, જ્યારે 5 ડેમ 100 ટકા ભરાયા છે.

સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ, રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. અમરેલીના રાજુલાનો ધાતરવાડી ડેમ, અમરેલીના સાવરકુંડલાનો સુરજવાડી ડેમ, ભાવનગરના મહુવાનો માલણ ડેમ, ભાવનગરના પાલિતાણાનો શેત્રુંજી ડેમ તથા તાપીના સોનગઢનો ડોસવાડા ડેમ 100 ટકા ભરાયા છે.

જ્યારે ભાવનગરના મહુવાનો રોજકી ડેમ, અમરેલીના ધારીનો ખોડીયાર ડેમ, ભાવનગરના ઉમરાળાનો રંઘોળા ડેમ, મહીસાગરના બાલાસિનોરનો વણાંકબોરી ડેમ, અમરેલીના ખાંભાનો રાયડી ડેમ તથા સુરેન્દ્રનગરના વઢવાણનો ધોળીધજા ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

કયા ડેમ એલર્ટ અને વોર્નિંગ પર
રાજુલાનો ધાતરવાડી-2, ચુડાનો વાંસલ, માણાવદરનો બાંટવા ખારો તથા ગીર ગઢડાનો રાવલ ડેમ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. જ્યારે સાવરકુંડલાનો શેલ દેદુમલ, ઉપલેટાનો વેણુ-2, કુતિયાણાનો સારણ, રાજકોટનો આજી-2, જેતપુર પાવીનો સુખી, ગઢડાનો કાળુભાર ડેમ વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે.

રાજ્યની જળસંપત્તિની વાત કરીએ તો, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં હાલમાં 217088 mcft પાણીનો સંગ્રહ છે. જે તેની કુલ ક્ષમતાના 64.98 ટકા જેટલો થાય છે. ડેમમાં હાલમાં 23805 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નદી તરફ 621 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ 223233 mcft છે, જે કુલ ક્ષમતાના 40.01 ટકા જેટલો છે. આ 206 જળાશયોમાંથી 5 ડેમ 100 ટકા સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. 17 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 21 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 54 ડેમ 25 થી 50 ટકા વચ્ચે અને 109 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે.
























