HomeAllસોમનાથ મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ: 'અમૃતપર્વ 2026'નો ભક્તિમય પ્રારંભ, દેશભરમાંથી ભક્તોનું ઘોડાપૂર...

સોમનાથ મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ: ‘અમૃતપર્વ 2026’નો ભક્તિમય પ્રારંભ, દેશભરમાંથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિરના પુનઃ નિર્માણને આગામી 11મી મેના રોજ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરને ‘સોમનાથ અમૃતપર્વ-2026’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજથી પાંચ દિવસીય ધાર્મિક મહોત્સવનો અત્યંત ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે.

51 ભૂદેવો દ્વારા અતિરૂદ્રના પાઠ

તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા મંદિરની યજ્ઞશાળામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યું છે. કુલ 51 બ્રાહ્મણો દ્વારા પાંચ દિવસ સુધી સવાર-સાંજ ત્રણ-ત્રણ કલાક અતિરૂદ્રના પાઠ કરવામાં આવશે. શનિવાર (નવમી મે)થી ત્રણ દિવસીય હોમાત્મક મહારૂદ્ર યજ્ઞનો પ્રારંભ થશે, જેમાં 45 બ્રાહ્મણો દ્વારા આશરે સવા લાખ આહુતિઓ આપી વૈશ્વિક શાંતિ અને માનવ કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે.

વિશ્વ શાંતિનો સંદેશ

વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને વિવિધ દેશો વચ્ચે ચાલતા યુદ્ધના માહોલમાં, આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વમાં શાંતિ સ્થપાય અને માનવજાતનું કલ્યાણ થાય તેવો રાખવામાં આવ્યો છે.

11 તીર્થોના જળથી થશે કુંભાભિષેક

અમૃતપર્વના મુખ્ય દિવસે એટલે કે 11મી મેના રોજ સોમનાથ મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળ વડે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ‘કુંભાભિષેક’ વિધિ કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શિવભક્તોનું ઘોડાપૂર

ઉત્સવને પગલે સોમનાથ મહાદેવને દરરોજ વિશેષ અને મનોહર શણગાર કરવામાં આવી રહ્યા છે. આ મહોત્સવમાં સહભાગી થવા અને મહાદેવના આશીર્વાદ લેવા માટે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ તીર્થ ક્ષેત્રે ઉમટી પડ્યા છે. સમગ્ર સોમનાથ સંકુલ અત્યારે ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments