
મોરબી: રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત ટેબલ ટેનિસ સ્પર્ધામાં GMERS મેડિકલ કોલેજ, મોરબીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કોલેજનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધામાં કોલેજના ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં સફળતા મેળવી હતી.


ઓપન કેટેગરી મિક્સ ડબલ્સમાં વિસ્મય ત્રિવેદી અને જહાનવી કૈલાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે ડો. દીપ ભાડજા અને મીરા લોરિયાએ દ્વિતીય ક્રમ હાંસલ કર્યો હતો. મહિલા સિંગલ્સ કેટેગરીમાં જહાનવી કૈલા દ્વિતીય અને વંશીતા દેવાણી તૃતીય ક્રમે વિજેતા બન્યાં હતાં.

આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના પરિણામે વિજેતા ખેલાડીઓ હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં મોરબી મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ કરશે.


કોલેજના ડીન ડો. નીરજકુમાર બિશ્વાસ સહિત ફેકલ્ટી સભ્યોએ તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી આગામી સ્પર્ધાઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.























