
મોરબી, ૧૭ ઓક્ટોબર ૨૦૨૬: નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે કાઠિયાવાડ નિરાશ્રિત બાળાશ્રમ (રાજકોટ) સંચાલિત મોરબી વૃદ્ધાશ્રમના માવતરોએ સનાતન નવરાત્રિ મહોત્સવ અને મોરબી તાલુકા પોલીસ લાઈન દ્વારા આયોજિત ગરબી મહોત્સવમાં સહભાગી બની આનંદ અને ઉત્સાહ સાથે નવરાત્રિની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે વૃદ્ધાશ્રમના વડીલોએ માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ગરબાના તાલે સૌએ ઉત્સાહભેર ગરબે ઘૂમી નવરાત્રિ પર્વની ભક્તિમય મોજ માણી હતી.

વડીલોના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વડીલોને સહભાગી બનાવવાથી તેમના જીવનમાં આનંદ, ઉમંગ અને સામાજિક જોડાણની ભાવનાને પ્રોત્સાહન મળે છે. નવરાત્રિની આ ઉજવણી વડીલો માટે યાદગાર બની રહી હતી.

























