
મોરબી : રાજમાતા મહારાણી વિજયકુંવરબા સાહેબના અવસાનથી મોરબીમાં શોકની લાગણી વ્યાપી છે. રાજવી પરિવાર પ્રત્યે આદર અને સંવેદના વ્યક્ત કરવા ધર્મરક્ષા સમિતિ મોરબી દ્વારા વિજયાદશમી નિમિત્તે આયોજિત રામલીલા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાવણ દહનનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ધર્મરક્ષા સમિતિ દ્વારા આગામી 20 ઓક્ટોબર, 2026ના રોજ મંગળવારે રાત્રે 8:30 કલાકે મોરબીના સામાકાંઠે આવેલા એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રામલીલા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, રાજમાતાના નિધનથી સર્જાયેલી શોકની પરિસ્થિતિ અને ન્યૂ પેલેસ ખાતે યોજાનારી શોકવિધિઓને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ મોકૂફ રાખવાને બદલે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સમિતિ દ્વારા તમામ આમંત્રિત મહેમાનો, કલાકારો, સહયોગીઓ, કાર્યકર્તાઓ અને મોરબીની જનતાને કાર્યક્રમ રદ થયાની નોંધ લેવા અપીલ કરવામાં આવી છે. સાથે જ દિવંગત રાજમાતાની આત્માને પરમ શાંતિ મળે અને આ દુઃખદ સમયમાં રાજવી પરિવારને ધૈર્ય તથા શક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના ધર્મરક્ષા સમિતિ દ્વારા કરવામાં આવી છે.

























