
મોરબી, તા. 18 ઓક્ટોબર 2026: ધ બેંગલ દુર્ગા પૂજા ગ્રુપ કમિટી દ્વારા તા. 15 ઓક્ટોબરથી મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ના સંદેશ સાથે ભવ્ય, દિવ્ય અને આકર્ષક દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સતત નવ વર્ષથી આ પરંપરાને આગળ ધપાવતી કમિટી દ્વારા આ વર્ષે પણ વિશેષ થીમ અને આધ્યાત્મિક સંદેશ સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.





દેવી દુર્ગાની ભક્તિ, શક્તિ અને મહિષાસુર મર્દિની સ્વરૂપની આરાધનાને સમર્પિત આ મહોત્સવમાં પૂજા-અર્ચના, આરતી અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભક્તોને આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત થાય છે. દેવી દુર્ગાના ત્રણ નેત્ર ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે તેમનું શક્તિસ્વરૂપ જ્ઞાન, સમજણ, વિવેક અને અન્યાય સામે લડવાની પ્રેરણા આપે છે.

મહોત્સવના આયોજન અંગે મોહિતભાઈ (કાર્તિક) રાવલે જણાવ્યું હતું કે, દુર્ગા પૂજાનો મુખ્ય સંદેશ પોતાની અંદર રહેલી શક્તિને ઓળખવાનો અને યોગ્ય સમયે તેનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. મહિષાસુર બુરાઈનું પ્રતીક છે, જ્યારે દેવી દુર્ગા અચ્છાઈ, સત્ય અને ન્યાયની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. બુરાઈ ગમે તેટલી શક્તિશાળી હોય, પરંતુ અચ્છાઈ સામે તેનો પરાજય નિશ્ચિત છે.


દુર્ગા પૂજા આપણને શીખવે છે કે બુરાઈ અને અન્યાય સામે અંતિમ ક્ષણ સુધી સંઘર્ષ કરવો જોઈએ. સત્યના માર્ગે ચાલવા માટે ભક્તિ, શક્તિ, સાહસ, ધૈર્ય અને દૃઢ નિશ્ચય જરૂરી છે. દેવી દુર્ગાએ વિવિધ સ્વરૂપો ધારણ કરીને અસુરોનો સંહાર કર્યો હતો, તેમાંથી પ્રેરણા લઈને દરેક વ્યક્તિએ જીવનમાં સત્ય અને ન્યાયનો સાથ આપવો જોઈએ.

આ દુર્ગા પૂજા મહોત્સવના માધ્યમથી ત્રણ મુખ્ય સંદેશ આપવામાં આવી રહ્યા છે. પ્રથમ, મા દુર્ગા પ્રત્યે ભક્તિ અને તેમની શક્તિની આરાધના; બીજો, જીવનમાં સતત પ્રયત્ન, કોશિશ અને સંઘર્ષનું મહત્ત્વ; અને ત્રીજો, સત્ય અને ન્યાયના માર્ગે ચાલીને બુરાઈ પર અચ્છાઈનો વિજય મેળવવાનો સંદેશ.

છ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં મહાઆરતી, ઢાંક-ઢોલના નાદ, પ્રખ્યાત ધુનુચી નૃત્ય, પૂજા-અર્ચના તેમજ મહિલાઓ અને બાળકો માટે વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વરણ, સિંદૂર ખેલા અને વિસર્જન સહિતના પરંપરાગત કાર્યક્રમો પણ ઉત્સવનું વિશેષ આકર્ષણ બની રહેશે.

દુર્ગા પૂજા મહોત્સવ અંગે વધુ માહિતી, વિગતો અથવા અન્ય કોઈ પ્રશ્ન માટે મોહિતભાઈ (કાર્તિક) રાવલનો મોબાઇલ નંબર 7990215099 પર સંપર્ક કરી શકાય છે.




















