
ભારે વરસાદ કે પૂર સમયે પશુઓને ખૂંટાથી મુક્ત રાખવા અપીલ – નાના પશુ-પક્ષીઓની વિશેષ કાળજી રાખવા સૂચના : કટોકટીમાં એનિમલ હેલ્પલાઈન 1962 પર સંપર્ક કરી શકાશે

વાવાઝોડું: અતિવૃષ્ટિ, ભારે વરસાદ કે પૂર જેવી કટોકટીની પરિસ્થિતિ દરમિયાન પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવા ગુજરાત સરકારના ખેતીવાડી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના પશુપાલન પ્રભાગ દ્વારા પશુપાલકો માટે મહત્વપૂર્ણ તકેદારીના માર્ગદર્શક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.

પશુપાલન વિભાગની માર્ગદર્શિકા અનુસાર ભારે વરસાદ કે પૂર દરમિયાન પશુઓને ખૂંટા સાથે બાંધી ન રાખવા અપીલ કરવામાં આવી છે, જેથી કટોકટીની સ્થિતિમાં પશુઓ પોતાની રીતે સુરક્ષિત સ્થળે જઈ શકે. પશુઓને મોટા ઝાડ, નબળા છાપરા, જર્જરીત મકાન, કાચી દીવાલ કે વીજળીના થાંભલા નજીક ન બાંધવા પણ ખાસ સૂચના આપવામાં આવી છે.

ઘેટાં, બકરાં અને મરઘાં જેવા નાના પશુ-પક્ષીઓ બંધિયાર જગ્યામાં ગૂંગળાઈ ન જાય તે માટે પૂરતી હવા અને સુરક્ષિત જગ્યાની વ્યવસ્થા કરવા તેમજ તેમની વિશેષ કાળજી રાખવા પશુપાલકોને જણાવાયું છે.

વાવાઝોડું, અતિવૃષ્ટિ કે પૂર દરમિયાન પશુઓને કોઈ મુશ્કેલી સર્જાય અથવા તાત્કાલિક સહાયની જરૂર પડે તો એનિમલ હેલ્પલાઈન નંબર 1962 પર સંપર્ક કરવા પશુપાલન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


























