
મોરબી, તા. ૧૨ : મોરબી જિલ્લાના ૧૮ થી ૩૫ વર્ષના યુવાનો પાસેથી અરજીઓ મંગાવાઈ, ગુજરાત સરકારના સહયોગથી રાજ્યના યુવાનોને કૌશલ્ય વિકાસ દ્વારા રોજગારી અને આત્મનિર્ભરતાની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુસર મહેસાણા જિલ્લાના વડનગર ખાતે એલ એન્ડ ટી (L&T) દ્વારા સ્થાપિત ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ ખાતે બાંધકામ ક્ષેત્રના વિવિધ ટેકનિકલ અને ઔદ્યોગિક ટ્રેડમાં વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તાલીમ કાર્યક્રમ સંપૂર્ણપણે રેસિડેન્શિયલ છે અને તેનો સમયગાળો ૨ મહિનાનો રહેશે. તાલીમ દરમિયાન પસંદગી પામેલા ઉમેદવારોને રહેવા, જમવા તેમજ તાલીમ સંબંધિત તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. તાલીમ પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોને એલ એન્ડ ટી કંપની તેમજ બાંધકામ ક્ષેત્રની અન્ય અગ્રણી કંપનીઓમાં રોજગારીની તકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તાલીમમાં જોડાવા માટે ઉમેદવારની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચે હોવી આવશ્યક છે. ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ-૫ પાસ કરેલું હોવું જોઈએ. ઉપરાંત ઉમેદવારની લઘુત્તમ ઊંચાઈ ૧૫૫ સેન્ટીમીટર તથા લઘુત્તમ વજન ૪૫ કિલોગ્રામ હોવું જરૂરી છે. ઉમેદવાર શારીરિક તેમજ તબીબી રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવા જોઈએ.

બાંધકામ ક્ષેત્રમાં આધુનિક તાલીમ મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છતા મોરબી જિલ્લાના રસ ધરાવતા ઉમેદવારોએ જરૂરી અસલ દસ્તાવેજો સાથે મોરબી જિલ્લા રોજગાર કચેરીનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

વધુ માહિતી માટે કચેરી સમય દરમિયાન મોરબી જિલ્લા રોજગાર કચેરીના ટેલિફોન નંબર ૦૨૮૨૨-૨૪૦૪૧૯ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
























