
વેનેઝુએલામાં આવેલા બે વિનાશકારી ભૂકંપ પછી સ્થિતિ વધારે ગંબીર બની ગઈ છે. અત્યાર સુધી 920 લોકોના મોત થયાના સમાચાર છે. 3360થી વધુ લોકો ઘાયલ છે. હજારો લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે. મોતનો આંકડો હજુ વધી શકે છે. આ વચ્ચે ભારતે ‘ઓપરેશન અમિસ્તાદ’ શરૂ કર્યું છે.

વેનેઝુએલામાં આવેલા બે ઉપરા ઉપરી ભૂકંપ બાદ હાલત વધારે ગંભીર જોવા મળી રહી છે. રેસ્ક્યૂ ટીમ કાટમાળ નીચે દબાયેલા હજારો લોકોને બચાવવા માટે દિવસ રાત મહેનત કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધી 290 લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ છે, જ્યારે 3360થી વધુ લોકો ઘાયલ છે. સરકારનું કહેવું છે કે, હજારો લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે અને 50 હજારથી વધુ લોકો ગુમ હોવાની અરજી દાખલ થઈ છે. અમેરિકી ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS)એ આશંકા વ્યક્ત કરી છે કે, મૃતકોની સંખ્યા 10 હજારને પાર થઈ શકે છે.

રાજધાની કારાકાસ પાસે આવેલા દરિયાકાંઠાના શહેર લા ગુઆઇરામાં સૌથી વધારે વિનાશ વેરાયો છે. અહીં 100થી વધારે ઇમારતો જેમાં અનેક બહુમાળી એપાર્ટમેન્ટ પણ ધરાશાયી થઈ ગયા છે. રસ્તાઓ પર મસમોટી તિરાડો પડી ગઈ છે અનેક વિસ્તારમાં ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. લોકો કાટમાળ હટાવીને પોતાના સ્વજનોને શોધી રહ્યા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ભારે મશીનોની અછત છે. આ જ કારણોસર કાટમાળ નીચે દબાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં મુશ્કેલી પડી રહી છે. અનેક જગ્યાએ સ્વયંસેવકો બાઈક દ્વારા ખાણી-પીણી અને દવાઓ પહોંચાડી રહ્યા છે.

કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે લા ગુઆઇરામાં રાહત-બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં વધારાના સુરક્ષાદળો તહેનાત કર્યા છે. લગભગ 2600 ટન ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવાનો દાવો પણ કર્યો છે.

ભારતે આ સંકટના સમયમાં માનવતા દાખવી છે. ભારતે ‘ઓપરેશન અમિસ્તાદ’ શરૂ કર્યું છે. ભારતીય વાયુ સેનાના બે C-17 ગ્લોબમાસ્ટર પ્લેન રાહત સામગ્રી લઈને રવાના થયા છે. ભારતે 41 મેમ્બરની વિશેષ મેડિકલ અને રાહત ટીમ, ફીલ્ડ હોસ્પિટલ, પોર્ટેબલ હોસ્પિટલ, દવાઓ તેમજ 35 ટનથી વધારે રાહત સામગ્રી મોકલી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે, ભારત આ મુશ્કેલ સમયમાં મજબૂતાઈથી વેનેઝુએલાના લોકો સાથે ઊભું છે.

ભૂકંપ બાદ અનેક જગ્યાએથી મદદ પહોંચી રહી છે. અમેરિકાએ 15 કરોડ ડોલર સહાય આપવાની જાહેરાત કરી છે અને રાહત કામગીરી માટે 2 સૈન્ય જહાજ, હેલિકોપ્ટર તેમજ પ્લેન તહેનાત કર્યા છે. આ ઉપરાંત મેડિકલ સ્ટાફ પણ મોકલવામાં આવ્યો છે.

મેક્સિકોએ 250 સૈન્ય બચાવકર્મીઓ, 5 સ્નિફર ડોગ્સ અને વિશેષ સાધનો મોકલ્યા છે. સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, કોલંબિયા, અલ સાલ્વાડોર, ફ્રાન્સ, જર્મની, બ્રાઝિલ, ચીન અને ડોમિનિકન રિપબ્લિક સહિત અનેક દેશોએ રાહત ટીમો, મેડિકલ ટીમો અને જરૂરી સામગ્રી મોકલી છે.

અલ સાલ્વાડોર, સ્પેન અને અન્ય દેશોમાંથી આવેલા બચાવ દળો ડ્રોન, હીટ સ્કેનર અને સ્નિફર ડોગ્સની મદદથી કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. રેસ્ક્યૂ કર્મીઓનું કહેવું છે કે, અનેક જગ્યાએથી હજુ પણ લોકો જીવિત હોવાના સંકેતો મળી રહ્યા છે. તેથી બચાવવાના પ્રયત્નો હજુ પણ ચાલુ છે.

આ ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે વેનેઝુએલા પહેલાથી જ આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે, લગભગ 70 લાખ લોકો આ સંકટથી પ્રભાવિત થઈ શકે છે. જોકે રાહતની વાત એ છે કે, દેશના તેલ ઉદ્યોગને અત્યાર સુધી કોઈ મોટું નુકસાન નથી થયું, પરંતુ મોટા પાયે રિકન્સ્ટ્રક્શન માટે આંતરરાષ્ટ્રીય મદદની જરૂર પડશે.



















