HomeAllવીજ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને મળશે યોગ્ય વળતર: 'માર્કેટ રેટ કમિટી' રચાશે, રાજ્યમંત્રી...

વીજ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને મળશે યોગ્ય વળતર: ‘માર્કેટ રેટ કમિટી’ રચાશે, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂત પ્રતિનિધિઓ સાથે યોજી બેઠક

વીજ લાઇન પસાર થવાના કારણે અસરગ્રસ્ત થતા ખેડૂતોને જમીનનું યોગ્ય, પારદર્શક અને બજારભાવ આધારિત વળતર મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયના અસરકારક અમલીકરણ માટે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી કલેક્ટર કચેરી ખાતે ખેડૂત પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી.

કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં સ્થાનિક પદાધિકારીઓ, ખેડૂત આગેવાનો અને પ્રતિનિધિઓ સાથે વીજ લાઇન માટે જમીન સંપાદન વખતે વળતર નક્કી કરવાની નવી વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકારના નવા પરિપત્ર મુજબ ખેડૂતોને બજારભાવને આધારે વધુ વાજબી અને લાભદાયી વળતર મળી રહે તે માટે ‘માર્કેટ રેટ કમિટી’ની રચના કરવામાં આવશે, જેના માધ્યમથી વળતર પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ન્યાયસંગતતા સુનિશ્ચિત કરવામાં આવશે.

મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે વીજ લાઇન જેવી માળખાકીય સુવિધાઓ રાજ્યના ઔદ્યોગિક તેમજ ગ્રામ્ય વિકાસ માટે અત્યંત જરૂરી છે, પરંતુ વિકાસ સાથે ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ થાય તે સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે તે માટે સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે અને તેની માહિતી દરેક ગામ સુધી પહોંચે તે માટે તાલુકાવાર ખેડૂત પ્રતિનિધિઓએ જાગૃતિ લાવવાની જરૂર છે.

જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે તમામ વીજ કંપનીઓને ખેડૂતો સાથે સંવેદનશીલતા અને પારદર્શિતા સાથે કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. વળતર અથવા અન્ય કોઈ પ્રશ્ન હોય તો ખેડૂતો સંબંધિત મામલતદાર કચેરીમાં નિઃસંકોચ રજૂઆત કરી શકે છે. તંત્ર દ્વારા આવી રજૂઆતોનો સત્વરે અને હકારાત્મક નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.

બેઠકમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મનીષભાઈ કાંજીયા સહિત વિવિધ રાજકીય અગ્રણીઓ, જિલ્લાના ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments