12 ઓક્ટોબરે કેશરબાગ હેડવર્ક્સથી પાણી વિતરણ બંધ રહેશે, નાગરિકોને અગાઉથી વ્યવસ્થા કરી લેવા મહાનગરપાલિકાની અપીલ

મોરબી, તા. 10 ઓક્ટોબર, 2026: મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બ્રિજના નિર્માણ કાર્યને વેગ આપવા માટે પીવાના પાણીની લાઈન શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. બ્રિજના પિલરના બાંધકામમાં હાલની પાણીની લાઈન અડચણરૂપ બનતી હોવાથી મોરબી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગ દ્વારા આ લાઈનને ખસેડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કામગીરી આગામી સોમવાર, તા. 12 ઓક્ટોબર, 2026ના રોજ કરવામાં આવશે. જેના કારણે સામાકાંઠા વિસ્તારમાં આવેલા કેશરબાગ હેડવર્ક્સથી થતું પાણી વિતરણ એક દિવસ માટે બંધ રાખવામાં આવશે. પરિણામે સંબંધિત વિસ્તારમાં રહેતા નાગરિકોને સોમવારે પાણી પુરવઠાની અસુવિધાનો સામનો કરવો પડી શકે છે.

મોરબી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ અને ડ્રેનેજ શાખાના ડેપ્યુટી ઇજનેર પ્રશાંત કણઝરીયાએ અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને પાણી વિતરણ બંધ રહેવાની બાબતને ધ્યાનમાં રાખીને અગાઉથી પીવાના પાણીનો જરૂરી સંગ્રહ કરી લેવા અપીલ કરી છે, જેથી દૈનિક જરૂરિયાતો માટે મુશ્કેલી ન પડે.























