HomeAllવજન ઘટાડવા માટે વૈજ્ઞાનિકોની મોટી શોધ: કુદરતી હોર્મોન FGF21થી ચરબી ઝડપથી બર્ન...

વજન ઘટાડવા માટે વૈજ્ઞાનિકોની મોટી શોધ: કુદરતી હોર્મોન FGF21થી ચરબી ઝડપથી બર્ન થાય છે

ઓક્લાહોમા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમે એક નવી શોધ કરી છે. આ શોધથી કુદરતી હોર્મોનનો ઉપયોગ કરીને વજન ખૂબ જ સરળતાથી ઘટાડીને શકાય છે. આ વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે શરીરમાં કુદરતી રીતે બનતું હોર્મોન FGF21 (ફાઇબ્રોબ્લાસ્ટ ગ્રોથ ફેક્ટર 21) વજન ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. આ માટે તેમણે ઉંદરો પર ટેસ્ટ કર્યો હતો અને તેમાં તેમને સફળતા મળી છે. ‘સેલ રિપોર્ટ્સ’ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ આ હોર્મોન મગજના તે ભાગને સંકેત મોકલે છે જે મેટાબોલિઝમ અને ભૂખને નિયંત્રિત કરે છે. આથી એના પર નિયંત્રણ મેળવી વજન સરળતાથી ઉતારી શકાય છે.

મેટાબોલિઝમ અને વજનમાં FGF21ની ભૂમિકા

FGF21ને પહેલાથી જ નવી સારવાર માટે મહત્ત્વપૂર્ણ ટાર્ગેટ તરીકે ઓળખવામાં આવ્યું છે. તેને ટાર્ગેટ કરતી દવાઓ હાલમાં MASH (મેટાબોલિક ડિસફંક્શન સંબંધિત સ્ટિએટોહેપેટાઇટિસ) જેવી ગંભીર ફેટી લિવર બીમારી માટે ક્લિનિકલ ટ્રાયલમાં છે. આ બીમારી માટે દવાની શોધ કરવામાં આવી રહી છે. આ સ્ટડીના મુખ્ય સંશોધક મેથ્યુ પોથોફ (Ph.D.) અને તેમની ટીમે સમજવાનો પ્રયાસ કર્યો છે કે FGF21 શરીરના મેટાબોલિઝમ અને વજન પર કેવી અસર કરે છે.

મગજમાં સંકેત અંગે આશ્ચર્યજનક શોધ

મેથ્યુ પોથોફે જણાવ્યું કે અગાઉના અભ્યાસોમાં જાણવા મળ્યું હતું કે FGF21 લિવરને બદલે મગજને સંકેત આપે છે. જોકે આશ્ચર્યની વાત એ હતી કે આ સંકેત હાઇપોથેલેમસને નહીં, પરંતુ મગજના પાછળના ભાગ એટલે કે હાઇન્ડબ્રેનને મળે છે, જે વજન નિયંત્રણ માટે જાણીતો છે. આ શોધની કોઈને આશા નહોતી, કારણ કે શરૂઆતમાં વૈજ્ઞાનિકો માનતા હતા કે FGF21 હાઇપોથેલેમસ પર જ અસર કરશે.

FGF21ના મગજના સર્કિટનો ખુલાસો

FGF21 હાઇન્ડબ્રેનના બે ખાસ ભાગો સાથે સંપર્કમાં આવે છે.

  • ન્યુક્લિયસ ઓફ સોલિટરી ટ્રેક્ટ (NTS)
  • એરિયા પોસ્ટ્રેમા (AP)

આ ભાગો પછી સંકેતોને બીજા મગજના ભાગ પેરાબ્રેચિયલ ન્યુક્લિયસ સુધી મોકલે છે. આ સંપૂર્ણ સંકેત પ્રક્રિયા FGF21ને મેટાબોલિઝમ વધારવા અને વજન ઘટાડવામાં મદદરૂપ બનાવે છે.

મેથ્યુ પોથોફ આ વિશે કહે છે કે આ મગજનો સર્કિટ FGF21ના પ્રભાવને નિયંત્રિત કરે છે એવું લાગે છે.

FGF21 અને GLP-1 દવાઓ વચ્ચેનો તફાવત

FGF21 અને GLP-1 બંને મગજના એક જ ભાગને અસર કરે છે, તેમ છતાં તેઓ અલગ રીતે કાર્ય કરે છે:

  • GLP-1 દવાઓ ભૂખ ઘટાડે છે અને ખોરાકનું સેવન ઓછું કરે છે
  • FGF21 મેટાબોલિઝમ વધારે છે, જેથી શરીર વધુ ઊર્જા બળે અને વજન ઘટે

મેથ્યુ પોથોફે આશા વ્યક્ત કરી કે આ ખાસ સર્કિટને સમજવાથી વધુ અસરકારક અને ઓછી સાઇડ-ઇફેક્ટ્સ ધરાવતી સારવાર બનાવી શકાય છે. હાલમાં FGF21 જેવી દવાઓ ક્યારેક પેટ સંબંધિત સમસ્યાઓ અથવા હાડકાંમાં નબળાઈ જેવા સાઇડ-ઇફેક્ટ્સ પેદા કરી શકે છે. આથી સાઇડ-ઇફેક્ટ્સ ન હોય એવી દવા બનાવવી શક્ય છે.

મેદસ્વીપણું અને MASH માટે નવી સારવારની આશા

મેથ્યુ પોથોફ અને તેમની ટીમ માને છે કે આ શોધ મેદસ્વીપણું અને MASH માટે નવી સારવાર વિકસાવવામાં મદદરૂપ બની શકે છે. આ વિશે વધુ જણાવતાં મેથ્યુ કહે છે, ‘આ અભ્યાસમાં અમે FGF21 કેવી રીતે વજન ઘટાડે છે તે સમજ્યું છે, પરંતુ આગળના અભ્યાસોમાં તપાસ કરીશું કે શું આ જ સર્કિટ MASHને પણ પાછું ફેરવી શકે છે કે નહીં.’

RELATED ARTICLES

Most Popular

Recent Comments