HomeAllવોટ્સએપ ગૂગલ-એપલ ઉપરાંત પોતાની કલાઉડ સ્ટોરેજ આપશે

વોટ્સએપ ગૂગલ-એપલ ઉપરાંત પોતાની કલાઉડ સ્ટોરેજ આપશે

તમે કદાચ જાણતા હશો કે અત્યારે આપણા વોટ્સએપ એકાઉન્ટમાંના ડેટાનો બે રીતે બેકઅપ લઇ શકીએ છીએ. એક, વોટ્સએપ પોતે દરરોજ લગભગ અડધી રાતે આપણા બધા ડેટાનો બેકઅપ લે છે.

એ ઉપરાંત પોતાના વોટ્સએપ ડેટાને ગૂગલ ડ્રાઇવમાં પણ બેકઅપ રાખી શકીએ છીએ ને આ બેકઅપ ઓટોમેટિક લેવામાં આવે તેવું નક્કી કરી શકાય છે. આપણે ઇચ્છીએ તો એ માટે ડેઇલી વિકલી અથવા મંથલી એવી ફ્રિકવન્સી સેટ કરી શકીએ અથવા આપણે જ્યારે બેકઅપ પર ક્લિક કરીએ ફક્ત ત્યારે જ બેકઅપ લેવાય તેવું પણ નક્કી કરી શકાય.

બીજી તરફ, વોટ્સએપમાં એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન મળે છે પરંતુ તેનો ડેટા ગૂગલ ડ્રાઇવમાં પહોંચે એ પછી તેને એવી સલામતી મળતી નથી. આપણે ઇચ્છીએ તો બેકઅપ પણ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ રહે એવું સેટિંગ કરી શકીએ છીએ. પરંતુ આવું ‘બાય ડિફોલ્ટ’ એટલે કે આપોઆપ થતું નથી.

એવું કરવું એ આપણી મરજીની વાત છે. આવો બેકઅપ ડેટા એનક્રિપ્ટેડ રહે એ માટે આપણે તેને પાસકી, પાસવર્ડ અથવા ૬૪ ડિજિટની એનક્રિપ્શનકી થી પ્રોટેક્ટેડ રાખી શકીએ છીએ. એ પછી વોટ્સએપ કે ગૂગલમાંથી કોઈ આપણા ડેટાને જોઈ શકતું નથી. વોટ્સએપ દરરોજ અડધી રાતે જે બેકઅપ લે છે તે આપણા ફોનના સ્ટોરેજમાં જ જમા થતો હોય છે. તેમ ક્લાઉડમાં લેવાતો બેકઅપ ગૂગલ ડ્રાઇવ કે પછી આઇફોનમાંથી આઇક્લાઉડમાં પહોંચે છે. હવે આ આખી વાત એક નવો વળાંક લઈ રહી છે.

હવે વોટ્સએપ કંપની આમાં એક ત્રીજો વિકલ્પ આપવાની તૈયારીમાં છે. કંપની પોતે તેની પોતાની જ ક્લાઉડ સર્વિસમાં આપણો બેકઅપ લેવાની સગવડ આપશે. મતલબ કે આપણે ઇચ્છીએ તો ગૂગલ ડ્રાઇવ કે આઇક્લાઉડમાં બેકઅપ લઈ શકીએ અથવા ત્યારે જ વોટ્સએપની ક્લાઉડ સર્વિસ પસંદ કરી શકીશું.

આ માટે વોટ્સએપ તેના પોતાના ક્લાઉડમાં બે જીબી સુધીની ફ્રી સ્પેસ આપે તેવી શક્યતા છે. જોકે અત્યારે એ સ્પષ્ટતા નથી કે આ ફ્રી સ્ટોરેજ વોટ્સએપના તમામ યૂઝરને મળશે કે પછી હમણાં જાહેર થયેલી વોટ્સએપ ‘પ્લસ’ પેઇડ સર્વિસના સબસ્ક્રાઇબર્સને જ મળશે. એવી પણ શક્યતા છે કે વોટ્સએપ તેના ક્લાઉડમાં કુલ ૫૦ જીબી સુધીની સ્ટોરેજ સાથે પેઇડ સ્ટોરેજ પણ ઓફર કરશે. જોકે અત્યારે આ બધું ડેવલપમેન્ટના સ્ટેજ પર છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments