HomeAll13 શિક્ષકોના CCC-CCC+ પ્રમાણપત્ર બોગસ હોવાનો ઘટસ્ફોટ થતા શિક્ષણ જગતમાં હડકંપ

13 શિક્ષકોના CCC-CCC+ પ્રમાણપત્ર બોગસ હોવાનો ઘટસ્ફોટ થતા શિક્ષણ જગતમાં હડકંપ

જૂનાગઢમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને બે અલગ-અલગ મામલાઓએ ભારે ચર્ચા જગાવી છે. વાસ્તવમાં એક તરફ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ અને હાજરી વિના પાસ કરાવી આપવાના દાવા સાથે સંકળાયેલા શંકાસ્પદ એડમિશન નેટવર્કનો મુદ્દો સામે આવ્યો છે,

જ્યારે બીજી તરફ શિક્ષણ વિભાગમાં શિક્ષકો દ્વારા કથિત રીતે બોગસ પ્રમાણપત્રોના આધારે લાભ મેળવ્યાના આક્ષેપોએ સમગ્ર તંત્રને સાવચેત કરી દીધું છે. શું છે સમગ્ર મામલો ? : પ્રથમ કેસમાં જોષીપરા વિસ્તારમાં કાર્યરત એક ખાનગી ઓફિસ ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયામાં સામે આવેલા એક વીડિયોમાં ઓફિસ સાથે જોડાયેલી વ્યક્તિ વિદ્યાર્થીઓને નિયમિત રીતે સ્કૂલ કે કોલેજમાં હાજર રહ્યા વગર પરીક્ષા આપી પાસ થઈ જવાની ખાતરી આપતી હોવાના દાવા સામે આવ્યા છે.

એટલું જ નહીં, પરીક્ષા પ્રક્રિયા દરમિયાન પણ ગેરરીતિથી સહાય પૂરી પાડવામાં આવતી હોવાના આક્ષેપોથી મામલો વધુ ગંભીર બન્યો છે. વિડિયો સામે આવતા તપાસ એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી અને સ્થળ પરથી વિવિધ પ્રકારના શૈક્ષણિક દસ્તાવેજો, માર્કશીટ, પ્રવેશ સંબંધિત ફોર્મ તથા વિદ્યાર્થીઓના મૂળ દસ્તાવેજો મળ્યાની માહિતી બહાર આવી છે. આ તરફ હાલમાં દસ્તાવેજોની ચકાસણી કરીને સમગ્ર વ્યવસ્થામાં કોઈ ગેરરીતિનું નેટવર્ક કાર્યરત હતું કે નહીં તે અંગે તપાસ આગળ વધી રહી છે.

આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને સંબંધિત યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓ અને વાલીઓને સત્તાવાર પ્રક્રિયા દ્વારા જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા ઝડપી પ્રવેશ, ખાતરીપૂર્વક પાસ અથવા અન્ય પ્રકારના લાલચથી સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ શિક્ષણ વિભાગમાં પણ ગંભીર પ્રકારનો મુદ્દો સામે આવ્યો છે. તપાસ દરમિયાન 13 શિક્ષકો દ્વારા રજૂ કરાયેલા CCC અને CCC+ પ્રમાણપત્રો શંકાસ્પદ હોવાનું બહાર આવતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ પ્રમાણપત્રોના આધારે પગાર અને અન્ય લાભ મેળવવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. માહિતી મુજબ નકલી વેબસાઇટ, એજન્ટ અને ખોટા દસ્તાવેજી માધ્યમો દ્વારા પ્રમાણપત્રો તૈયાર કરવામાં આવ્યા હોવાની સંભાવનાઓની પણ તપાસ ચાલી રહી છે. સંબંધિત અધિકારીઓ દ્વારા લાભોની વસૂલાત અને કાયદેસરની કાર્યવાહી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments