
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે, 15 જુલાઈ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે.

સામાન્ય રીતે, નૈઋત્યનું ચોમાસું 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. જોકે, આ વર્ષે 9 જુલાઈ તારીખ સુધીમાં પશ્ચિમ રાજસ્થાન સુધી પણ પહોંચ્યું નથી. ત્યારે આ વખતનું ચોમાસું થોડું અટકી અટકીને આગળ વધતું દેખાઈ રહ્યું છે. તે બીજી બાજુ જુલાઈના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસાએ જોરદાર બેટિંગ કરી લીધી છે. ત્યારે આગામી 15મી જુલાઈ સુધીમાં ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે કે આરામ કરશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, રાજ્ય પર વરસાદને અસર કરતી અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય છે. ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર વેલ માર્ક લો પ્રેશર એરિયા, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વ બાંગ્લાદેશ સુધી સીઝનલ ટ્રફ સક્રિય, દક્ષિણ ગુજરાતથી મધ્ય કેરળ સુધી ઓફ-શોર ટ્રફ યથાવત, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી સિક્કિમ સુધી ઉપરના સ્તરે ટ્રફ સક્રિય, અરબી સમુદ્ર તરફથી નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના ભેજયુક્ત પવનો સતત ફૂંકાઈ રહ્યા છે. આ તમામ પરિબળોના સંયુક્ત પ્રભાવને કારણે ગુજરાતમાં વરસાદી ગતિવિધિ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે, 15 જુલાઈ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની સાથે ક્યાંક છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. માછીમાર ભાઈઓ માટે 11 અને 12 જુલાઈના રોજ ચેતવણી આપવામાં આવી છે.


ગુજરાતમાં વરસાદ અંગેની વાત કરતા તેમણે જણાવ્યું છે કે, અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતા 9 ટકા વરસાદની ઘટ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં 11 તારીખ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા છે. જોકે, તે બાદ 15 જુલાઈ સુધીમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.

11મી તારીખે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
12મી તારીખથી વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાય છે. અડધા ઉપર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
























