HomeAllગુજરાતમાં રખડતા શ્વાનોના ખસીકરણ અંગે સરકારની હાઈકોર્ટમાં રજૂઆત : રૂા.141 કરોડની ફાળવણી...

ગુજરાતમાં રખડતા શ્વાનોના ખસીકરણ અંગે સરકારની હાઈકોર્ટમાં રજૂઆત : રૂા.141 કરોડની ફાળવણી સાથે વ્યાપક ઝુંબેશ ચાલુ

અમદાવાદ: ગુજરાત સરકારે હાઈકોર્ટ સમક્ષ મહત્વની માહિતી આપતાં જણાવ્યું છે કે રાજ્યભરમાં રખડતા શ્વાનોના ખસીકરણ, એન્ટિ-રેબીઝ રસીકરણ અને માનવતાપૂર્ણ વ્યવસ્થાપન માટે વ્યાપક, સુસંકલિત તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી આયોજિત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારે મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ ડી. એન. રાયની ડિવિઝન બેન્ચ સમક્ષ આ અંગેનો વિગતવાર પાલન અહેવાલ રજૂ કર્યો હતો. સરકાર વતી રજૂઆત કરતાં ગવર્નમેન્ટ પ્લીડર જી.

એચ. વિર્કે અદાલતને જણાવ્યું હતું કે ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ 2026 દરમિયાન એનિમાલ બર્થ ક્નટ્રોલ પ્રોગ્રામ હેઠળ રાજ્યભરમાં 36,132 રખડતા શ્વાનોનું ખસીકરણ અને 44,483 શ્વાનોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં અમદાવાદ શહેર મોખરે રહ્યું છે, જ્યાં આ જ સમયગાળા દરમિયાન 6,121 શ્વાનોનું ખસીકરણ અને 6,614 શ્વાનોને એન્ટિ-રેબીઝ રસી આપવામાં આવી છે. હાઈકોર્ટને વધુમાં માહિતગાર કરાયા હતા કે હાલમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ મારફત 23 કાર્યરત એનિમાલ બર્થ ક્નટ્રોલ સેન્ટરો ચલાવવામાં આવી રહ્યા છે.

એનિમાલ બર્થ ક્નટ્રોલ રૂલ્સ, 2023 ના નિયમો અનુસાર આ સેન્ટરોમાં રખડતા શ્વાનોને પકડવા, ખસીકરણ, રસીકરણ, જરૂરી સારવાર અને ઓપરેશન પછીની સંભાળની કામગીરી સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમને વ્યાવસાયિક અને માનવતાવાદી અભિગમ સાથે અમલી બનાવવા માટે 81 પશુચિકિત્સક તબીબો અને 181 તાલીમબદ્ધ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્ય કક્ષાની સમીક્ષાઓ, જિલ્લા કક્ષાની બેઠકો, સમયાંતરે તપાસ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેના સતત સંકલન દ્વારા કડક દેખરેખ પ્રણાલી પણ સ્થાપિત કરાઈ છે. આ યોજનાના સુચારૂ અમલીકરણ માટે રાજ્ય સરકારે વિવિધ નાણાકીય વર્ષો દરમિયાન ખસીકરણ, રસીકરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને આનુષંગિક પગલાં માટે 141 કરોડનું ભંડોળ ફાળવ્યું છે.

તદુપરાંત, જિલ્લાવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતો ઓળખી કાઢીને નવા સેન્ટરો, શેલ્ટર હોમ અને પૂરક સુવિધાઓ ઊભી કરવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. શ્વસન કે હડકવા સંબંધી કટોકટીમાં નાગરિકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્યની તમામ 2,497 સરકારી આરોગ્ય સંસ્થાઓમાં એન્ટિ-રેબીઝ વેક્સિન અને એન્ટિ-રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 104 હેલ્પલાઇનને હડકવાની અટકાયત અને માર્ગદર્શન માટે સ્ટેટ લેવલની સુવિધા તરીકે નિર્દિષ્ટ કરાઈ છે. જ્યારે સ્થાનિક સ્તરે ફરિયાદોના ઝડપી નિકાલ માટે મહાનગરપાલિકા અને જિલ્લા કક્ષાની હેલ્પલાઇન પણ કાર્યરત છે.

જાહેર જનતાને અગવડ ન પડે તે રીતે શ્વાનોને ખોરાક આપી શકાય તે માટે રાજ્યભરમાં 1,042 ફીડિંગ સ્પેસ બનાવવામાં આવ્યા છે, જેમાં અમદાવાદમાં 130, સુરતમાં 126 અને વડોદરામાં 80 સ્પેસ તૈયાર કરાયા છે. સાથે જ રખડતા શ્વાનોના દત્તક વિધાન માટે પણ એક સંરચિત પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments