
મોરબી: મોરબી મહાનગરપાલિકામાં છેલ્લા 20થી 25 વર્ષથી કોન્ટ્રાક્ટ અને રોજમદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તથા પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહિયાએ આ અંગે રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતરિત થયા બાદ પણ સેટઅપ મુજબ કર્મચારીઓની પૂરતી ભરતી થઈ નથી. પરિણામે અનેક કર્મચારીઓ છેલ્લા 20થી 25 વર્ષથી રોજમદાર તરીકે જ સેવાઓ આપી રહ્યા છે. લાંબા સમયથી સતત ફરજ બજાવવા છતાં તેમને કાયમી કર્મચારી તરીકે મળવાપાત્ર લાભો, જેમ કે ફંડ, ગ્રેચ્યુટી સહિતના અન્ય હક્કો મળતા નથી.

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 1થી 13 સુધીના નાગરિકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જાળવવામાં સફાઈ કામદારો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. શહેરને સ્વચ્છ અને જીવજંતુમુક્ત રાખવા માટે સતત કામગીરી કરતા આ કર્મચારીઓને તેમની લાયકાત અને સંબંધિત વિભાગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહેકમમાં સમાવી કાયમી કરવામાં આવે તેવી માંગ રજૂઆતમાં કરવામાં આવી છે.

આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, મોરબી મહાનગરપાલિકાના કમિશનર તેમજ મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને પણ લેખિત રજૂઆત પાઠવવામાં આવી છે.

આ રજૂઆત દરમિયાન મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કે. કે. પરમાર સહિત મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




















