
મોરબી: જેતપર-પીપળી રોડ પર આવેલ વી ટાઇલ સિરામિક ખાતે બુધવારે સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવસેવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

રક્તદાન કેમ્પ દરમિયાન કુલ 81 સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાની સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે જે. પી. દેત્રોજા, અનિલભાઈ પંચોટીયા, રજનીકાંતભાઈ મોરડીયા તેમજ વી ટાઇલ સિરામિકના યુવાનો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.

કેમ્પના સફળ આયોજન બદલ સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના પ્રેરક પ્રેમસ્વામી તથા એમ.ડી. રમેશભાઈ માકાસણાએ તમામ આયોજકો, રક્તદાતાઓ અને વી ટાઇલ સિરામિક પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ સમાજમાં રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ વધુને વધુ પ્રોત્સાહિત થાય તેવી શુભેચ્છા પાઠવી તમામ સહભાગીઓને અભિનંદન આપ્યા હતા.






















