
મોરબી: ખેડૂતોના પડતર પ્રશ્નો, વીજ લાઇનથી અસરગ્રસ્ત જમીનના વળતર અને ખેડૂતોના હિતના વિવિધ મુદ્દાઓને લઈ આગામી 8 ઓગસ્ટ, શનિવારના રોજ સાંજે 8:00 વાગ્યે રવાપર રોડ પર આવેલા કેપિટલ માર્કેટ ચોક ખાતે વિશાળ ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસભામાં દેશના જાણીતા રાષ્ટ્રીય કિસાન નેતા રાકેશ ટિકૈત મુખ્ય ઉપસ્થિતિ આપી ખેડૂતોને સંબોધન કરશે.

આયોજકોના જણાવ્યા મુજબ રાકેશ ટિકૈત બરોડાથી સીધા મોરબી પહોંચશે. તેઓ સાંજે અંદાજે 4:00થી 5:00 વાગ્યાની વચ્ચે મોરબી આવશે. ત્યારબાદ સાંજે 6:00 વાગ્યે જેતપર ગુજરાત છાવણી ખાતે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સ્થળની મુલાકાત લઈ આંદોલનકારી ખેડૂતો સાથે મુલાકાત કરશે તેમજ તેમની રજૂઆતો અને પ્રશ્નો સાંભળશે. ત્યારબાદ રાત્રે 8:00 વાગ્યે રવાપર રોડ સ્થિત કેપિટલ માર્કેટ ચોક ખાતે મુખ્ય જાહેર સભાને સંબોધશે.

આ મહાસભામાં ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યદુવીર સિંહ, રાજસ્થાનના ખેડૂત નેતા હિંમતસિંહ ગુર્જર, રાજકોટના ખેડૂત આગેવાન રાજભા ઝાલા, હરીપરના મુનાભાઈ સરપંચ તથા ધ્રાંગધ્રાના ખેડૂત આગેવાન જે. કે. પટેલ સહિત ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહેશે.

ખેડૂત આગેવાન મનોજ પનારાના જણાવ્યા મુજબ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર સામે ખેડૂતોમાં અસંતોષ છે. જમીન સંપાદન સંબંધિત કાયદા મુજબ ખેડૂતોને જમીનની બજાર કિંમતના ચાર ગણા વળતરનો લાભ મળવો જોઈએ તેવી મુખ્ય માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે. આ મહાસભા દ્વારા ખેડૂતોના ન્યાયસંગત અધિકારો માટે અવાજ ઉઠાવવામાં આવશે.

આયોજકોના જણાવ્યા મુજબ મહાસભામાં મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત પરિવારો, મહિલાઓ, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

ખેડૂત આગેવાનોએ જણાવ્યું છે કે સભા માટે વહીવટી તંત્ર સમક્ષ મંજૂરી માંગવામાં આવી છે. જોકે, કલેક્ટર કક્ષાએથી જાહેરનામું પ્રસિદ્ધ કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ અમલમાં મૂકવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ખેડૂત આગેવાનોએ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ યોજવા માટે તંત્રને સહયોગ આપવા અપીલ કરી છે. સાથે જ તેમણે એવો દાવો કર્યો છે કે જો મંજૂરી નહીં મળે તો પણ ખેડૂતો પોતાના બંધારણીય અધિકારોના આધારે શાંતિપૂર્ણ રીતે સભાનું આયોજન કરશે.



















