
મોરબી: મોરબી તાલુકાના વિરપરડા ગામે છેલ્લા પાંચ દિવસથી એક કૂવામાં પાણી હલવાની (ઉછળવાની) ઘટનાને લઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે અને સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા કલેક્ટરે લોકોને અફવાઓથી દૂર રહેવા તેમજ સુરક્ષાના ભાગરૂપે કૂવા અને પાણીની નજીક ન જવા અપીલ કરી છે.

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ જીઓલોજીસ્ટની ટીમે સ્થળની મુલાકાત લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તારણ મુજબ, સતત વરસાદને કારણે જમીનની અંદર આવેલા નાના એક્વીફરમાં હવા ટ્રેપ થતાં હવાની મુવમેન્ટના કારણે કૂવાનું પાણી ઉપર તરફ હલી રહ્યું છે. આ સંપૂર્ણપણે સ્થાનિક સ્તરની કુદરતી ઘટના છે અને આસપાસના અન્ય જળાશયોમાં આવી કોઈ સ્થિતિ જોવા મળી નથી.

જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટનાનો ભૂકંપ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી. ગાંધીનગર સ્થિત સિસ્મિક સેન્ટરની માહિતી મુજબ છેલ્લા પાંચથી દસ દિવસ દરમિયાન ગુજરાતમાં કોઈપણ પ્રકારની સિસ્મિક એક્ટિવિટી નોંધાઈ નથી. તેથી લોકોએ ભૂકંપ અંગેની અફવાઓ અથવા ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરવા અપીલ કરવામાં આવી છે.

આ ઘટનાના વૈજ્ઞાનિક અભ્યાસ માટે ગુજરાત ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના નિષ્ણાતોને પણ જાણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં નિષ્ણાતોની ટીમ વિરપરડા ગામની મુલાકાત લઈને હાઇડ્રોલોજીકલ સાધનોની મદદથી હવા ટ્રેપ થવાના કારણોની વિગતવાર તપાસ કરશે અને તેનો વિસ્તૃત અહેવાલ રજૂ કરશે.

ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવાના હેતુથી જિલ્લા કલેક્ટરે વિરપરડા ગામ તેમજ આસપાસના વિસ્તારોના લોકોને કૂવા અને પાણીની નજીક ન જવા તેમજ અફવાઓને બદલે માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.




















