ખેતી અને આરોગ્યને નુકસાન થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો અને ખેડૂતો રસ્તા પર ઉતર્યા; વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક વ્યવહાર ખોરવાયો

મોરબી: રંગપર વિસ્તારમાં આવેલી સિરામિક ફેક્ટરીઓમાંથી ફેલાતા પ્રદૂષણના મુદ્દે આજે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સિરામિક એકમોમાંથી નીકળતા ધુમાડા અને પ્રદૂષણના કારણે લોકોના આરોગ્ય તેમજ આસપાસની ખેતીને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો જેતપર રોડ પર એકત્રિત થયા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રદૂષણની સમસ્યા અંગે અનેક વખત તંત્ર અને સંબંધિત ફેક્ટરી સંચાલકો સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, લાંબા સમયથી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં અંતે ગ્રામજનો અને ખેડૂતો રસ્તા પર ઉતરી વિરોધ કરવા મજબૂર બન્યા હતા.

વિરોધના ભાગરૂપે ગ્રામજનોએ જેતપર રોડ પર ચક્કાજામ કરતાં ટ્રાફિક વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રસ્તાની બંને બાજુએ સિરામિક ટ્રાન્સપોર્ટેશનના ટ્રકો સહિત અન્ય વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વિરોધ કરી રહેલા ગ્રામજનો અને ખેડૂતોની મુખ્ય માંગ છે કે પ્રદૂષણ ફેલાવતી સિરામિક ફેક્ટરીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પ્રદૂષણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી સ્થાનિકોના આરોગ્ય અને ખેતીનું રક્ષણ કરવામાં આવે.





















