
મોરબી, તા. 7 ઓગસ્ટ : વાંકાનેરના ચંદ્રપુર વિસ્તારમાં આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટી વિભાગે ફાયર સેફ્ટીના જરૂરી સાધનોના અભાવને લઈને કડક કાર્યવાહી હાથ ધરી હતી. વિભાગની ટીમે કોમ્પ્લેક્ષની અંદાજે 150 જેટલી દુકાનો સીલ કરતાં વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો.

માહિતી મુજબ, તા. 5 ઓગસ્ટના રોજ ફાયર સેફ્ટી વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતાં તંત્ર દ્વારા કોમ્પ્લેક્ષની અંદાજે 150 દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી બાદ મોટી સંખ્યામાં વેપારીઓ સ્થળ પર એકત્રિત થયા હતા. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, ફાયર સેફ્ટી વિભાગે અગાઉ કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના સીધી જ દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરી છે.

વેપારીઓનું વધુમાં કહેવું છે કે, જો તંત્ર દ્વારા કોમ્પ્લેક્ષના બિલ્ડરને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી હોય તો તેની જાણ દુકાનદારોને કરવામાં આવી નહોતી. જેના કારણે અચાનક થયેલી આ કાર્યવાહીથી વેપારીઓના ધંધા-રોજગાર પર સીધી અસર પડી છે.

વેપારીઓએ જણાવ્યું હતું કે, દુકાનો સીલ થવાને કારણે અંદાજે 150 જેટલા વેપારીઓનો રોજગાર ઠપ્પ થઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ તંત્ર સમક્ષ યોગ્ય રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે.




















