150થી વધુ અકાઉન્ટ્સ મારફત 500 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરાયા, આરોપીઓમાં મોટા ભાગના ગુજરાતના

મુંબઈ : બૅંક અકાઉન્ટ્સ અને સિમકાર્ડ એક્ટિવેટ કરીને સાયબર ફ્રોડ આચરનારી આંતરરાષ્ટ્રીય ટોળકીના 12 જણને ગોવામાં કલંગુટ બીચ નજીકના એક વિલામાંથી ઝડપી પાડવામાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. આરોપીમાં મોટા ભાગના ગુજરાતના યુવાનોનો સમાવેશ હોઇ તેમને પંદર દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી. પોલીસને તપાસ દરમિયાન મળી આવેલા 150થી વધુ બૅંક અકાઉન્ટ્સ મારફત છથી આઠ મહિનામાં 500 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેકશન થયા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.

પોલીસે કાર્યવાહીમાં પંદર લેપટોપ, 128 સિમકાર્ડ, 76 મોબાઇલ, 22 ચેકબૂક અને 77 પાસબૂક તથા અન્ય મતા જપ્ત કરી હતી. ગોવાથી પકડાયેલા 12 આરોપીઓ હાર્દિક વઢેરા, ઇલિયાસ મેમન, નિકુંજ પટેલ, યોગે સોલંકી, રામભાઇ મુંડવા, હિતેન સોલંકી તથા અન્યોનો સમાવેશ હોઇ તેમને મુંબઈ લાવવામાં આવ્યા બાદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 11 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. આરોપીઓને દરેક ટ્રાન્ઝેક્શન પાછળ ત્રણ ટકા કમિશન મળતું હતું. એ સિવાય દર મહિને તેમને 30થી 35 હજારનો પગાર પણ આપવામાં આવતો હતો.

તેમને અકાઉન્ટ ટૂ અકાઉન્ટ પૈસા ટ્રાન્સફર કેવી રીતે કરવા, તેમની પાસે કયું અકાઉન્ટ આવશે, કમ્યુનિકેશન કેવી રીતે કરવું, પૈસા કયા અકાઉન્ટમાં ડિપોઝિટ કરવા અને ટ્રાન્સફર કરવા તેમ જ કેટલા પૈસા કાઢવા તે અંગે તેમને પંદર દિવસની ટ્રેનિંગ અપાઇ હતી, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પાયધુની પોલીસ સ્ટેશનમાં ગયા મહિને દાખલ કરવામાં આવેલા સાયબર ફ્રોડના કેસમાં અમુક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓ કરી રહ્યા હતા. આ કેસમાં પોલીસને કેટલાક બૅંક અકાઉન્ટ્સ મળી આવ્યા હતા, જેમાં સાયબર ફ્રોડ અને ઓનલાઇન ગેમિંગના રૂપિયા આવતા હતા.

અલગ અલગ અકાઉન્ટ્સ ખરીદી તેનો ઉપયોગ આ માટે કરવામાં આવતો હોવાનું પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. આથી પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી, જેમાં એવી માહિતી સામે આવી હતી કે મુંબઈમાં અલગ અલગ નામે બૅંકમાં અકાઉન્ટ ખોલવામાં આવતા હતા અને તેને લગતી કિટ સાયબર ફ્રોડ તથા ઓનલાઇન ગેમિંગ માટે ગોવા મોકલવામાં આવતી હતી. આ અકાઉન્ટ્સ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ માહિતી મળ્યા બાદ પોલીસની ટીમને ગોવા રવાના કરવામાં આવી હતી. પોલીસે ગોવામાં મંગળવારે કલંગુટ બીચ નજીક બે માળના વિલામાં રેઇડ પાડી હતી અને ત્યાંથી 12 જણને તાબામાં લીધા હતા.

આરોપીઓ 100 પેનલ, રૂદ્રા નામની સાઇટનો ઉપયોગ કરીને યુઝર અકાઉન્ટ પરથી તેમની પાસેના લેપટોપ, મોબાઇલ દ્વારા ઓનલાઇન ગેમિંગ અને સાયબર ફ્રોડ મારફત આવેલી રકમ કાઢવા અને ડિપોઝિટ કરવા માટે પૂછતા હતા અને આ રકમ બાદમાં સંબંધિત અકાઉન્ટ્સમાં વાળવામાં આવતી હતી. ગુનો આચરવા માટે વાપરવામાં આવેલા બૅંક અકાઉન્ટ્સ ફ્રીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.




















