HomeAllદિવાળીની સુરક્ષા માટે મોરબી મહાનગરપાલિકાનું ફાયર તંત્ર હાઈ એલર્ટ પર

દિવાળીની સુરક્ષા માટે મોરબી મહાનગરપાલિકાનું ફાયર તંત્ર હાઈ એલર્ટ પર

૪૦ જવાનોની ૨૪x૭ તૈનાતી સાથે શહેરમાં સતત પેટ્રોલિંગ, તમામ કર્મચારીઓની રજાઓ રદ

મોરબી : દિવાળીના પ્રકાશ પર્વ દરમિયાન શહેરમાં આગની સંભવિત દુર્ઘટનાઓને રોકવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા મોરબી મહાનગરપાલિકાનું ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. અંદાજે ૪૦ ફાયર જવાનો ૨૪ કલાક સતત ત્રણ શિફ્ટમાં ઈમરજન્સી સેવાઓ માટે ખડેપગે રહેશે.

દિવાળીની સાંજથી નૂતન વર્ષના પ્રારંભ સુધી ફટાકડા ફોડવા દરમિયાન આગ લાગવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, ભીડભાડવાળા બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફાયર ટેન્ડર તથા ક્વિક રિસ્પોન્સ વ્હીકલ મારફતે સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવશે, જેથી કોઈપણ ઈમરજન્સીમાં ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી શકાય.

ચાર મહત્વના સ્થળોએ ફાયર ફાઈટર સ્ટેન્ડબાય

તહેવારો દરમિયાન ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે શહેરના રવાપર ચોકડી, નવા બસ સ્ટેન્ડ, સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ અને મહેન્દ્રનગર ચોકડી ખાતે ફાયર ફાઈટર તથા જવાનોની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. આ ઉપરાંત કેસરબાગ ફાયર સ્ટેશન ખાતે પણ રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલુ રહેશે.

નાગરિકોને સાવચેતી રાખવા ફાયર વિભાગની અપીલ

ફાયર વિભાગ દ્વારા નાગરિકોને ફટાકડા ફોડતી વખતે પૂરતી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ફટાકડા ફોડવાના સ્થળે પાણી, રેતીની ડોલ અને ફાયર એક્સ્ટિંગ્યુશર રાખવા, સુરક્ષિત અંતર જાળવવું તેમજ આગ લાગવાની શક્યતા ધરાવતા સ્થળોથી દૂર રહી ઉજવણી કરવી જરૂરી છે. બાળકો ફટાકડા ફોડે ત્યારે વડીલોએ ખાસ દેખરેખ રાખવી.

આગ કે અન્ય કોઈ ઈમરજન્સી સર્જાય તો નાગરિકો તાત્કાલિક ફાયર વિભાગના ટોલ ફ્રી નંબર ૧૦૧ અથવા ઈમરજન્સી નંબર ૧૧૨ પર સંપર્ક કરી શકે છે. મોરબી ફાયર સ્ટેશનનો પણ તુરંત સંપર્ક કરવા જણાવાયું છે.

ફાયર વિભાગની સતર્કતા અને નાગરિકોની જાગૃતિના સંયુક્ત પ્રયાસોથી દિવાળીનો તહેવાર સુરક્ષિત, આનંદમય અને અકસ્માતમુક્ત બની શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments