કન્ટેનર ડેપો, કન્ટેનર ઉત્પાદન અને ટોયઝ ઉદ્યોગમાં નવી તકો અંગે ઉદ્યોગકારો સાથે વિસ્તૃત ચર્ચા

મોરબી, તા. ૦૮ નવેમ્બર ૨૦૨૬: દિવાળીના પાવન પર્વ નિમિત્તે મોરબી સિરામિક એસોસિએશનના આમંત્રણને માન આપીને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ મોરબી સ્થિત બ્લૂઝોન સિરામિક ફેક્ટરીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન મોરબી સિરામિક ઉદ્યોગ સહિત વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોના વિકાસ, ઉદ્યોગકારોની જરૂરિયાતો અને સરકારના સહયોગ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો, ઉદ્યોગના આગેવાનો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શિપિંગ ક્ષેત્રમાં કન્ટેનર ડેપો વિકસાવવા, કન્ટેનર ઉત્પાદન એકમો સ્થાપવા તેમજ રમકડાં (ટોયઝ) બનાવતી ફેક્ટરીઓ શરૂ કરવા જેવા ક્ષેત્રોમાં રહેલી સંભાવનાઓ અંગે માહિતી આપી હતી.

આ ઉપરાંત, ભારત દ્વારા વિવિધ દેશો સાથે કરવામાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) થકી ભારતીય ઉદ્યોગોને મળતા વેપારી લાભો, આંતરરાષ્ટ્રીય બજારમાં વિસ્તરણની તકો અને સરકારની નીતિઓનો મહત્તમ ઉપયોગ કરવા અંગે પણ વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ઉદ્યોગકારોને નવીન ક્ષેત્રોમાં રોકાણ કરવા તથા સરકારી યોજનાઓનો લાભ લઈને પોતાના વ્યવસાયને વધુ વ્યાપક બનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોના વિકાસથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બને છે, રોજગારીની નવી તકોનું સર્જન થાય છે અને દેશના GDPમાં સકારાત્મક વૃદ્ધિ થાય છે. સરકાર ઉદ્યોગોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે કોઈપણ મંત્રાલય કે વિભાગ સંબંધિત માર્ગદર્શનની જરૂરિયાત હોય તો સંપર્ક કરવા તેમણે હકારાત્મક ખાતરી આપી હતી.

મોરબીના સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અને વિકાસલક્ષી જરૂરિયાતો અંગે થયેલી આ મુલાકાત ઉદ્યોગકારો માટે મહત્વપૂર્ણ બની રહી હતી. અંતમાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખે ઉદ્યોગના પ્રશ્નોને સાંભળવા, માર્ગદર્શન આપવા અને સહયોગની ખાતરી બદલ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા તથા રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.






















