
દિવાળી: અને બેસતા વર્ષના તહેવારોમાં પોતાના વતન જઈ પરિવાર સાથે રોશનીનો પર્વ મનાવવાની ઉત્સુકતા દરેક ગુજરાતીના દિલમાં હોય છે. લાખો પ્રવાસીઓની આ સફર સરળ અને સુવિધાજનક બની રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરમાં પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે. નિગમ દ્વારા સામાન્ય અને નિયમિત શિડ્યુલ ઉપરાંત વધારાની અંદાજે 2400 જેટલી એક્સ્ટ્રા બસો રસ્તા પર ઉતારીને 8000 થી પણ વધુ ખાસ ટ્રીપ્સનું સંચાલન કરવામાં આવ્યું છે. તહેવારોના પગલે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યના તમામ મુખ્ય સેન્ટ્રલ બસ સ્ટેશનો અને ડેપો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ ડિવિઝનમાંથી જ 1800 એક્સ્ટ્રા ટ્રીપ્સનું સંચાલન : રાજ્યના સૌથી મોટા આર્થિક પાટનગર અમદાવાદમાંથી દિવાળીની રજાઓમાં લાખો નોકરિયાત અને વેપારી પરિવારો વતન તરફ પ્રયાણ કરતા હોય છે. પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ડિવિઝન દ્વારા 2 નવેમ્બરથી અત્યાર સુધીમાં 1800 વધારાની ટ્રીપનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું છે. આ વધારાના ફેરાઓને કારણે હજારો મુસાફરો કોઈપણ મુશ્કેલી વિના સમયસર પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શક્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય-પૂર્વ ગુજરાતના રૂટ પર વિશેષ ફોકસ : મુસાફરોના જંગી પ્રવાહને સરળતાથી ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે અમદાવાદ અને સુરત વિભાગોમાંથી કનેક્ટિવિટી મોટા પાયે વધારવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ: સાણંદ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને ભુજ તરફ વધારાની બસો સતત દોડાવવામાં આવી રહી છે. મધ્ય અને પૂર્વ ગુજરાત: શ્રમિક અને ગ્રામીણ વર્ગની અવરજવરને ધ્યાને રાખીને દાહોદ, ગોધરા, બાલાસિનોર અને સંતરામપુર સહિતના અંતરિયાળ વિસ્તારોના રૂટ પર ખાસ વધારાની બસો મુકવામાં આવી છે. સુરતથી તમામ મુખ્ય જિલ્લાઓ માટે વિશેષ બસો : રત્નકલાકારો અને ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો પરિવારો વતન તરફ જઈ રહ્યા હોવાથી સુરતથી વિશેષ સંચાલન ગોઠવાયું છે. સુરતથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર તરફ જવા માટે પણ વધારાની બસો ફાળવવામાં આવી છે.

રિયલ-ટાઇમ ધસારો જોઈને ‘ઓન-ધ-સ્પોટ’ બસો મુકાઈ : એસટી નિગમના સત્તાવાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, માત્ર અગાઉથી નક્કી કરેલા શિડ્યુલ પર જ નિર્ભર રહેવાને બદલે જે-તે બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની સ્થિતિ જોઈને તાત્કાલિક નિર્ણય લેવામાં આવી રહ્યો છે. કોઈ ચોક્કસ રૂટ પર મુસાફરોની અણધારી ભીડ જોવા મળે તો તેમને અટવાવું ન પડે તે માટે ડેપો મેનેજરોને તાકીદે ‘ઓન-ધ-સ્પોટ’ વધારાની બસો દોડાવવાની સ્પષ્ટ સૂચના અને સત્તા સોંપવામાં આવી છે.























