
મોરબી, તા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૬: સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ દેશભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાનો સંચાર થાય તે હેતુથી ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે તા. ૧૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ મોરબી ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે તિરંગા યાત્રા ‘વંદે માતરમ્ @૧૫૦’ની વિશેષ થીમ હેઠળ યોજાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ સમગ્ર જિલ્લામાં વિવિધ દેશભક્તિસભર કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

જિલ્લા કક્ષાની મુખ્ય તિરંગા યાત્રા તા. ૧૩ ઓગસ્ટના રોજ સવારે ૯:૦૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ થશે અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સુધી યોજાશે. આ યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવનાનો સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવશે.

યાત્રાના પ્રસ્થાન સ્થળે ‘વંદે માતરમ્’નું સંપૂર્ણ સામૂહિક ગાન કરવામાં આવશે, ત્યારબાદ તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરવામાં આવશે. યાત્રાના સમગ્ર રૂટ પર શાળાના નાના-નાના બાળકો દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા ધારણ કરી દેશભક્તિસભર પ્રસ્તુતિઓ કરવામાં આવશે.

મોરબી જિલ્લામાં યોજાનારી આ તિરંગા યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ દેશભક્તિસભર કાર્યક્રમમાં નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રાને સફળ બનાવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.




















