૩ કિલોમીટર લાંબી યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા; ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારાથી ગુંજી ઉઠ્યા મોરબીના માર્ગો

મોરબી: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભક્તિ, રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે મોરબી ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ભવ્ય ૩ કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.



યાત્રાના પ્રારંભે ‘વંદે માતરમ્’નું સમૂહગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લીલી ઝંડી બતાવી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ઉત્સાહપૂર્વક જોડાયેલા નાગરિકોના કારણે સમગ્ર યાત્રામાર્ગ પર દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના ગગનભેદી નારાઓથી મોરબીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા.

તિરંગા યાત્રામાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો, અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તિરંગો લહેરાવતા નગરજનોની વિશાળ ઉપસ્થિતિએ યાત્રાને ભવ્યતા અર્પી હતી.

યાત્રાના રૂટ પર નગરજનો દ્વારા પણ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને રાષ્ટ્રધ્વજ લહેરાવી યાત્રાનું અભિવાદન કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની ભાવના ઉજાગર કરતી વિવિધ વેશભૂષા અને પ્રસ્તુતિઓ યાત્રાનું વિશેષ આકર્ષણ બની હતી.

યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન જાળવી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોને સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

‘તિરંગો અમારું ગૌરવ, તિરંગો અમારું સ્વાભિમાન’ની ભાવના સાથે યોજાયેલી આ તિરંગા યાત્રા માત્ર રાષ્ટ્રધ્વજ સાથેની યાત્રા પૂરતી સીમિત ન રહેતાં મોરબીની જનશક્તિ, દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાનું જીવંત પ્રતિબિંબ બની હતી.

તિરંગા યાત્રામાં મોરબી મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ, મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત સહિત જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ શૈક્ષણિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ તેમજ મોરબીના નગરજનોની ઉત્સાહભેર ભાગીદારી રહી હતી.


















