ટાંકી પાડવાની કામગીરી દરમિયાન ટેકનિકલ અધિકારીની ગેરહાજરી અંગે સવાલો; સ્થાનિકોની ચેતવણી છતાં ટાંકી ખોટી દિશામાં પડતા લાખોનું નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી

ટંકારા : ટંકારા તાલુકાના હીરાપર ગામમાં પાટિયા નજીક આવેલી જર્જરિત પાણીની ટાંકી પાડવાની કામગીરી દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ટાંકી નિયત દિશામાં પડવાને બદલે અચાનક બાજુમાં આવેલા મકાન અને દુકાન ઉપર ધરાશાયી થતાં ભારે નુકસાન થયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.

મળતી માહિતી મુજબ, હીરાપર ગામમાં લાંબા સમયથી જર્જરિત હાલતમાં ઉભેલી પાણીની ટાંકી તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન ટાંકી અચાનક ખોટી દિશામાં પડતાં હીરાપરના રહીશ રજનિકભાઈ સવજીભાઈ સવસાણીનું મકાન અને તેને અડીને આવેલી દુકાન સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ હતી. મકાન તથા દુકાનમાં રહેલો ઘરવખરી અને અન્ય સામાન પણ નુકસાન પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ગામના આગેવાન રાજુભાઈ પટેલના જણાવ્યા મુજબ, ગ્રામ પંચાયતની રજૂઆત બાદ પાણી પુરવઠા વિભાગ દ્વારા જર્જરિત ટાંકી તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી હતી. કામગીરી દરમિયાન સ્થળ પર જવાબદાર એન્જિનિયર કે ટેકનિકલ સ્ટાફ હાજર ન હોવાના આક્ષેપો વચ્ચે સમગ્ર કામગીરી મજૂરોના ભરોસે કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ટાંકીના પાયામાં કામગીરી કરતી વખતે નજીકમાં રહેલા યુવાનોએ મજૂરોને ત્રણ વખત ચેતવણી આપી હતી કે આ બાજુથી કામગીરી કરવામાં આવશે તો ટાંકી મકાન તરફ પડી શકે છે. તેમ છતાં ચેતવણીને અવગણીને કામગીરી ચાલુ રાખવામાં આવી હતી અને અંતે ટાંકી મકાન તથા દુકાન તરફ જ ધરાશાયી થઈ હતી.

બીજી તરફ, સરપંચ હીનાબેન ફેફરના પતિ પ્રવીણભાઈના જણાવ્યા મુજબ, ટાંકી અત્યંત જર્જરિત હોવાથી ગ્રામ પંચાયત દ્વારા તેને તોડી પાડવા માટે રૂ.20,000માં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા ટાંકી તોડી તેનો મલબો દૂર કરવાની જવાબદારી લેવામાં આવી હતી. ટાંકી સુરક્ષિત રીતે ખુલ્લી જગ્યામાં પાડવા માટે બે JCB મશીન પણ સ્થળ પર લાવવામાં આવ્યા હતા અને વાયર બાંધીને કામગીરી કરવામાં આવી રહી હતી.

પ્રવીણભાઈના જણાવ્યા મુજબ, ટાંકી અત્યંત જર્જરિત હોવાથી તે નિયત દિશામાં નમવાને બદલે અચાનક નીચે બેસી ગઈ હતી અને બાજુની દુકાન તથા મકાન પર પડતાં નુકસાન થયું હતું. ઘટના સમયે આસપાસ ગામલોકો પણ હાજર હતા. કામગીરી દરમિયાન સલામતીના ભાગરૂપે લોકોને દૂર ખસેડવામાં આવ્યા હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

મકાન અને દુકાનને થયેલા નુકસાન અંગે કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરી વળતર ચૂકવવા અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ ગ્રામ પંચાયત તરફથી જણાવાયું છે. જોકે, જર્જરિત બાંધકામ તોડી પાડવા જેવી જોખમી કામગીરી દરમિયાન જરૂરી ટેકનિકલ દેખરેખ અને સલામતીના ધોરણોનું પાલન થયું કે નહીં તે મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


















