ચમત્કારના નામે છેતરપિંડીથી સાવધાન રહેવા લોકોને અપીલ

અમદાવાદ : દેશમાં ૧૩થી ૨૨ ઓગસ્ટ દરમિયાન દશામાના વ્રતની ઉજવણી થઈ રહી છે. આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાતા આ વ્રતના નામે અંધશ્રદ્ધા, ચમત્કાર અને ભયનો માહોલ ઊભો કરી કેટલાક લેભાગુ તત્વો આર્થિક લાભ મેળવતા હોવાનો દાવો ભારત જન વિજ્ઞાન જાથાએ કર્યો છે. જાથાના સર્વે મુજબ દશામાના વ્રત સાથે સંકળાયેલા ધાર્મિક સામાન, મૂર્તિઓ, પુસ્તકો, ક્રિયાકાંડો અને અન્ય પ્રવૃત્તિઓથી અંદાજે રૂ. ૨૦૦ કરોડનો વેપાર થવાની શક્યતા છે.

જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે દશામાના નામે ભૂઈમા, ભુવા તથા અન્ય ચમત્કારિક દાવાઓ દ્વારા શ્રદ્ધાળુઓને ગેરમાર્ગે દોરવાના બનાવો સામે આવ્યા છે. સ્વયંભૂ પ્રાગટ્ય, કંકુ-પગલાં, શાકભાજી કે અન્ય વસ્તુઓમાં માતાજીના દર્શન જેવા દાવાઓની તપાસમાં અનેક કિસ્સાઓ ખોટા હોવાનું જાથાએ જણાવ્યું છે.

જાથાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં દશામાના નામે ખોટી રીતે ધૂણીને છેતરપિંડી કરતી ૯૧૨ ભૂઈમાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ૨,૮૪૫ ઢોંગી ભૂઈમાના ધૂણવાના ઢોંગ બંધ કરાવવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓએ ચમત્કારિક દાવાઓ અંગે તર્કપૂર્વક વિચાર કરી છેતરપિંડીથી સાવધાન રહેવું જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે.

પરપ્રાંતિય ભિખારીઓથી સાવધાન રહેવા અપીલ: જાથાએ જણાવ્યું કે દશામાના વ્રત દરમિયાન રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભિખારીઓ ગુજરાતમાં આવતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. લોકોની શ્રદ્ધાનો લાભ લઈ ભીખ અથવા અન્ય રીતે છેતરપિંડી થવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.

### મૂર્તિ વિસર્જનથી પાણીનું પ્રદૂષણ અટકાવવા અપીલ

વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓ અને સાંઢણીના વાહનની મૂર્તિઓ પીવાના પાણીમાં પધરાવવાને બદલે પર્યાવરણને અનુકૂળ રીતે નિકાલ કરવા જાથાએ અપીલ કરી છે. ચેકડેમ અને પીવાના પાણીના સ્ત્રોતોમાં મૂર્તિ વિસર્જનથી પાણી પ્રદૂષિત થવાની શક્યતા હોવાથી આ બાબતે ખાસ તકેદારી રાખવા જણાવાયું છે.

જાથાએ લોકોને ધાર્મિક આસ્થા જાળવી રાખવાની સાથે અંધશ્રદ્ધા, ખોટા ચમત્કાર અને વ્યર્થ ખર્ચ સામે જાગૃત બની તર્કશક્તિથી વિચારવા અપીલ કરી છે. ખોટી રીતે ધૂણીને લોકોને હેરાન કરતી અથવા શ્રદ્ધા સાથે ચેડા કરતી ભૂઈમાની માહિતી ૯૮૨૫૨ ૧૬૬૮૯ / ૯૪૨૬૯૮૦૯૫૫ પર આપવા જણાવાયું છે.


















