મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝનના નવા કપાસની પ્રથમ આવક સાથે જ મુહૂર્તના સોદામાં કપાસનો ઊંચો ભાવ બોલાતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ચૂલી ગામના ખેડૂત જયેશભાઈ અમરસીભાઈ 1.5 મણ નવો કપાસ લઈને મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા, જ્યાં હરાજીમાં તેમને 20 કિલો એટલે કે એક મણના રૂ. 4,551નો ભાવ મળ્યો હતો.

APMC ચેરમેન મનહરભાઈ બાવરવાના જણાવ્યા મુજબ, આ કપાસ સિઝનની પ્રથમ આવક તરીકે મુહૂર્ત માટે યાર્ડમાં લાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં વરસાદ ખેંચાતા કપાસનું વાવેતર મોડું થયું છે અને હજુ પણ અનેક વિસ્તારોમાં વાવેતર બાકી છે. આ દરમિયાન એપ્રિલ મહિનાના અંતમાં વાવેતર કરાયેલા કપાસની પ્રથમ આવક થઈ છે.

વેપારી અશોકભાઈના જણાવ્યા અનુસાર, ખેડૂતે એપ્રિલ મહિનાના અંતમાં કપાસનું વાવેતર કર્યું હતું. અત્યાર સુધીમાં અંદાજે 10 મણ જેટલો કપાસ વીણાયો છે. જોકે, વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુહૂર્ત સાચવવા માટે ખેડૂત 1.5 મણ કપાસ લઈને યાર્ડમાં આવ્યા હતા અને હરાજીમાં તેમને પાકનો સંપૂર્ણ ભાવ મળ્યો હતો.

આ કપાસ મોરબી માર્કેટિંગ યાર્ડમાં અક્ષરધામ ટ્રેડિંગ (B-76)ના અશોકભાઈ મારફતે વેચાણ માટે મૂકવામાં આવ્યો હતો. હરાજી દરમિયાન રોનક ટ્રેડિંગ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી હતી.

વેપારીઓએ ચાલુ સિઝન અંગે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષના તુલનાત્મક સમયગાળાની સરખામણીએ આ વર્ષે કપાસનો પાક સારો રહેવાની આશા છે. સાથે જ ખેડૂતોને તેમના ઉત્પાદનનો પોષણક્ષમ અને પૂરતો ભાવ મળે તેવી પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં કપાસની સૌથી વધુ આવક થતી હોય છે. ચાલુ વર્ષે પણ કપાસની નોંધપાત્ર આવક થાય અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય તથા પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા યાર્ડ તંત્ર અને વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં કપાસની સૌથી વધુ આવક થતી હોય છે. ચાલુ વર્ષે પણ કપાસની નોંધપાત્ર આવક થાય અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય તથા પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા યાર્ડ તંત્ર અને વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.



















