HomeAllમોરબી બાયપાસ માટે જમીન સંપાદનમાં ખેડૂતોને વાસ્તવિક બજાર કિંમત મુજબ વળતર આપવા...

મોરબી બાયપાસ માટે જમીન સંપાદનમાં ખેડૂતોને વાસ્તવિક બજાર કિંમત મુજબ વળતર આપવા માંગ

જૂના જંત્રી દરને બદલે વર્તમાન બજાર કિંમત આધારે વળતર ચૂકવવા ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનું કલેક્ટરને સૂચન

મોરબી : મહાનગર મોરબી શહેરના બાયપાસ રોડ માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરાનાર છે ત્યારે ખેડૂતોને જૂના જંત્રી દર મુજબ વળતર આપવાને બદલે જમીનની વર્તમાન વાસ્તવિક બજાર કિંમત મુજબ યોગ્ય વળતર ચૂકવવા ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ મોરબી કલેક્ટરને પત્ર પાઠવી મહત્વપૂર્ણ રજૂઆત કરી છે.

ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ જણાવ્યું છે કે, મોરબી તાલુકાના ખરેડા, વાંકડા, આંદરણા અને નીચીમાંડલ ગામના ખેડૂતોની કિંમતી ખેતીની જમીનો મોરબી બાયપાસ માટે જમીન સંપાદન હેઠળ આવનાર છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. નવા રસ્તાઓ, નર્મદા કેનાલ મારફતે પાણીની ઉપલબ્ધતા તેમજ સૌની યોજના હેઠળ તળાવો ભરાવાથી સિંચાઈની સુવિધામાં નોંધપાત્ર વધારો થયો છે.

સિંચાઈની સુવિધા વધતા ખેડૂતો હવે વધુ મૂલ્ય ધરાવતા બાગાયતી અને અન્ય રોકડિયા પાકો તરફ વળ્યા છે. જેના કારણે ખેતીની જમીનની ઉત્પાદકતા તેમજ ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે આ વિસ્તારોમાં ખેતીની જમીનની વાસ્તવિક બજાર કિંમતમાં પણ અનેકગણો વધારો થયો છે.

આ પરિસ્થિતિમાં જૂના જંત્રી દરના આધારે જમીન સંપાદનનું વળતર નક્કી કરવામાં આવે તો ખેડૂતોને તેમની કિંમતી જમીનના વાસ્તવિક મૂલ્યની સરખામણીએ યોગ્ય વળતર નહીં મળે. જમીન સંપાદન બાદ ખેતીની જમીનનો વિસ્તાર ઘટવાથી ખેડૂતોની ભવિષ્યની ખેતી આવકમાં થનારા ઘટાડાને પણ ધ્યાનમાં લેવાની જરૂરિયાત છે.

આથી ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ મોરબી કલેક્ટરને રજૂઆત કરી છે કે, ખરેડા, વાંકડા, આંદરણા અને નીચીમાંડલ ગામની જમીન સંપાદન પ્રક્રિયામાં જૂના જંત્રી દરને આધાર બનાવવાને બદલે જમીનની વર્તમાન વાસ્તવિક બજાર કિંમત, વધેલી ઉત્પાદકતા અને ખેડૂતોની ભવિષ્યની આવકમાં થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને યોગ્ય અને ન્યાયસંગત વળતર ચૂકવવામાં આવે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments