થાનગઢથી ૧૧ કિલોમીટર દૂર આવેલા તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાદરવા સુદ ત્રીજથી છઠ્ઠ સુધી પરંપરાગત અને ઐતિહાસિક તરણેતર લોકમેળાનું આયોજન કરવામાં આવશે. આગામી તા. ૧૪થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ચાર દિવસીય મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાપન માટે જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને તરણેતરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓને મેળામાં આવતા લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે, સ્વચ્છતા જળવાઈ રહે તથા લોકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી.

મેળા પૂર્વે રસ્તાઓની મરામત, ટ્રાફિક ડાયવર્ઝન, નવા રસ્તાઓનું નિર્માણ, સ્ટેજનું રિનોવેશન, લાઇટિંગ વ્યવસ્થા, તળાવ અને મેળાના મેદાનની સફાઈ, પ્લોટની હરાજી, પાર્કિંગ તથા સાઈનબોર્ડની વ્યવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે પૂરતી એસ.ટી. બસ સેવા ઉપલબ્ધ રહે તે અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

તરણેતર મેળામાં યોજાનારી ગ્રામીણ રમતગમતની હરીફાઈઓ, ભવાઈ, નાટક, પપેટ-શો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પશુ હરીફાઈના આયોજન અંગે પણ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

લોકોના આરોગ્ય અને સુરક્ષાને પ્રાધાન્ય આપતાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સઘન સફાઈ, ખાણીપીણીની વસ્તુઓની સતત ચકાસણી, આરોગ્ય વિભાગની સેવાઓ, ફાયર ફાઈટર, ક્રાઈસિસ મેનેજમેન્ટ, મેળાની રાઈડ્સની સુરક્ષા ચકાસણી અને કોમ્યુનિકેશન વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ધ્વજારોહણ, આરતી અને પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ અંગે પણ આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ તરણેતર ખાતે ગ્રામીણ ઓલમ્પિક મેદાન, પશુ હરીફાઈ મેદાન, સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળ અને હેલિપેડ સહિતના સ્થળોની રૂબરૂ મુલાકાત લીધી હતી. સ્થળ પર જ સંબંધિત વિભાગોને જરૂરી દિશાનિર્દેશો આપી મેળા પૂર્વે તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠકમાં ડીડીઓ કે.એસ. યાજ્ઞિક, એસપી, નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, થાનગઢ ટીડીઓ, થાનગઢ પીઆઈ, તરણેતરના સરપંચ અશોકસિંહ રાણા, પંચાયતના સદસ્યો સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



















