HomeAllરાજપરના ઓધા અને કંડક્ટર તળાવને જોડવા રૂ. ૫૨ લાખની ગ્રાન્ટ મંજૂર, ૫૦૦૦...

રાજપરના ઓધા અને કંડક્ટર તળાવને જોડવા રૂ. ૫૨ લાખની ગ્રાન્ટ મંજૂર, ૫૦૦૦ વીઘા જમીનને મળશે સિંચાઈનો લાભ

મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામના ઓધા તળાવ અને કંડક્ટર તળાવને જોડવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૨ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. બંને તળાવોને જોડવાની કામગીરી પૂર્ણ થયા બાદ રાજપર ગામની આશરે ૫૦૦૦ વીઘા ખેતીની જમીનને સિંચાઈનો સીધો લાભ મળવાની આશા છે.

ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી બંને તળાવોને જોડવાના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી મળી છે. તળાવો એકબીજા સાથે જોડાતા વરસાદી પાણીનો વધુ સારો સંગ્રહ અને ઉપયોગ શક્ય બનશે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકશે.

આ યોજનાથી માત્ર ખેતી માટે પાણીની સુવિધામાં વધારો થશે એટલું જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવાની પણ શક્યતા છે. પરિણામે ખેડૂતોને સિંચાઈની સુવિધા મળવાથી ખેતીની ઉત્પાદકતા વધવાની સાથે તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે રાજપર ગામના ખેડૂતો અને ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ગામના ખેડૂતોએ આ લોકઉપયોગી નિર્ણયને આવકારી સરકાર અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનો આભાર વ્યક્ત કર્યો છે.

રાજપર ગામના વતની અને મોરબી તાલુકા પંચાયત પ્રમુખ તુલસીબેન કેતનભાઈ મારવણીયા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કેતનભાઈ મારવણીયા, લીલાલહેર ગ્રુપ, ગામના આગેવાનો તેમજ ખેડૂતોએ આ પ્રોજેક્ટને ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ પગલું ગણાવી તેનો આવકાર કર્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments