HomeAllમોરબીમાં વરસાદી ઝાપટાં છતાં સરકારી ચોપડે ‘નીલ’ નોંધ: વરસાદ માપવાની કામગીરી સામે...

મોરબીમાં વરસાદી ઝાપટાં છતાં સરકારી ચોપડે ‘નીલ’ નોંધ: વરસાદ માપવાની કામગીરી સામે સવાલ

મોરબી : મોરબી શહેરમાં શુક્રવારે વહેલી સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં 15થી 20 મિનિટ સુધી નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવા છતાં તાલુકા મામલતદાર કચેરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમના પ્રાથમિક વરસાદી આંકડામાં સવારે 6થી 10 વાગ્યા દરમિયાન વરસાદ ‘નીલ’ હોવાનું જણાવાતા તંત્રની વરસાદ માપવાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

સવારે 7 વાગ્યાના આસપાસ નટરાજ ફાટક સહિતના વિસ્તારોમાં અંદાજે અડધાથી પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં બે-ત્રણ વરસાદી ઝાપટાં પડ્યા બાદ પણ ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. તેમ છતાં શરૂઆતમાં સરકારી ચોપડે વરસાદ નોંધાયો ન હોવાનું જણાવાયું હતું.

સમગ્ર મામલે વરસાદી આંકડાઓ અંગે પૂછપરછ કરવામાં આવતા તાલુકા મામલતદાર કચેરી અને ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન પડેલો વરસાદ 8 વાગ્યા બાદ માપવામાં આવ્યો હતો.

ડિઝાસ્ટર મામલતદારનો સંપર્ક કરવામાં આવતા તેમણે મામલાની તપાસ કરીને માહિતી આપવાનું જણાવ્યું હતું. ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે મોરબીમાં સવારે 6થી 10 વાગ્યા દરમિયાન કુલ 6 મીમી વરસાદ નોંધાયો છે અને આ આંકડાકીય માહિતી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રને મોકલવામાં આવી છે.

વરસાદ દરમિયાન વાસ્તવિક સ્થિતિ અને સરકારી આંકડાઓ વચ્ચે શરૂઆતમાં જોવા મળેલા તફાવતને પગલે વરસાદ માપવાની વ્યવસ્થા, સમયસર માપણી અને આંકડાઓના સંકલન અંગે પ્રશ્નો ઉઠ્યા છે. વરસાદ જેવા મહત્વપૂર્ણ હવામાન આધારિત આંકડાઓ સમયસર અને ચોકસાઈપૂર્વક નોંધાય તે જરૂરી બન્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments