મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસથી વિદ્યુતનગર વચ્ચેની જમીન પર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવતા અનંતનગર, વર્ધમાનનગર, ગીરીરાજ, સરસ્વતી સોસાયટી અને વિદ્યુતનગર સોસાયટીના રહેવાસીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનર, મેયર અને કોર્પોરેટર સમક્ષ રજૂઆત કરી આ સ્થળે આવાસ યોજના બનાવવાનું આયોજન રદ કરી વૈકલ્પિક સ્થળે ખસેડવાની માંગ કરી છે.

રહેવાસીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, મહેન્દ્રનગર સર્વે નંબર 155 પૈકીની 1 અને 2 નંબરની જમીન પર પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વિસ્તારમાં મહેન્દ્રનગર ગામની સીમ તેમજ આસપાસની સોસાયટીઓનું વરસાદી પાણી કુદરતી વહેણ મારફતે કાલિન્દ્રી નદી તરફ જાય છે. આ સ્થળે મોટા પાયે બાંધકામ કરવામાં આવશે તો ચોમાસા દરમિયાન પાણીના કુદરતી નિકાલમાં અવરોધ સર્જાઈ આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા ઊભી થવાની ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી છે.

સાથે જ સૂચિત આવાસ યોજનાના કારણે વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા હોવાનો મુદ્દો પણ રહેવાસીઓએ રજૂઆતમાં ઉઠાવ્યો હતો. સર્કિટ હાઉસ અને વિદ્યુતનગર તરફના વિસ્તારમાં પહેલેથી જ વાહનવ્યવહાર વધતો હોવાથી મોટી સંખ્યામાં આવાસોનું નિર્માણ થતાં ભવિષ્યમાં ટ્રાફિક વ્યવસ્થાને અસર થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે, સૂચિત આવાસ યોજના માટેની જમીનનો મોટો હિસ્સો રેલવે લાઇનને અડીને આવેલો છે. ભવિષ્યમાં રેલવે લાઇનના વિસ્તરણ કે અન્ય વિકાસકાર્યો હાથ ધરવામાં આવે ત્યારે જમીન અને બાંધકામને લઈને કાનૂની તથા વહીવટી ગૂંચવણો ઊભી થવાની શક્યતા છે.

રહેવાસીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે મહત્વપૂર્ણ હોવાનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, યોજનાનો વિરોધ ગરીબ પરિવારોના આવાસના હક સામે નથી, પરંતુ યોગ્ય સ્થળની પસંદગી માટે છે. આવાસ યોજના ભડીયાદ અથવા ધરમપુર વિસ્તારના સરકારી ખરાબાની જમીનમાં ખસેડવામાં આવે તો ખુલ્લા વાતાવરણ સાથે યોગ્ય આયોજન થઈ શકે અને ગરીબ પરિવારોને પણ વધુ સુવિધાયુક્ત રહેણાંક મળી શકે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

સ્થાનિક રહેવાસીઓએ મહાનગરપાલિકા તંત્રને સ્થળની પાણીના કુદરતી વહેણ, ટ્રાફિક વ્યવસ્થા અને રેલવે સંબંધિત સંભવિત પ્રશ્નોનું તટસ્થ મૂલ્યાંકન કરી સર્કિટ હાઉસ નજીકના સ્થળે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું આયોજન રદ કરી વૈકલ્પિક સ્થળે ખસેડવા તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરી છે.




















