
મોરબી: દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની મોરબી જિલ્લામાં આન, બાન અને શાન સાથે ભવ્ય તથા ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો મુખ્ય સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમ પ્રથમ વખત તાલુકા મથકને બદલે માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે યોજાયો હતો.



મોટા દહીંસરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં પ્રથમ વખત જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી તાલુકા મથકને બદલે ગ્રામ્ય વિસ્તારમાં યોજાતા આ કાર્યક્રમને વિશેષ મહત્વ મળ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, આગેવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ તથા પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, આ વર્ષે પ્રથમ વખત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

જિલ્લા કક્ષાની ઉજવણી ઉપરાંત મોરબી તાલુકાનો સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમ રાજપર ગામની રાજપર પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. ટંકારા તાલુકાની ઉજવણી સજનપર ગામની સજનપર પ્રાથમિક શાળા ખાતે, વાંકાનેર તાલુકાની ઉજવણી કણકોટ ગામની કણકોટ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે તથા હળવદ તાલુકાની ઉજવણી ઘનશ્યામપુર સ્થિત ઘનશ્યામપુર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી.

મોરબી શહેરમાં પણ સ્વાતંત્ર્ય પર્વની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકા ખાતે મેયરના હસ્તે, જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખના હસ્તે તથા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ વિભાગ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

આ ઉપરાંત મોરબી જિલ્લામાં શાળા-કોલેજો, સરકારી કચેરીઓ, ઔદ્યોગિક એકમો અને વિવિધ સંસ્થાઓમાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશભક્તિના માહોલ વચ્ચે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.


















