HomeAllમોરબી જિલ્લાના રાણેકપર ગામના ખેડૂતોને વળતર અંગે મુલ્યાંકન અંગે બેઠક યોજાઇ

મોરબી જિલ્લાના રાણેકપર ગામના ખેડૂતોને વળતર અંગે મુલ્યાંકન અંગે બેઠક યોજાઇ

મોરબી: જિલ્લાની માર્કેટ રેટ કમિટીની બેઠક કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચર, વિવિધ ટ્રાન્સમિશન કંપનીઓના અધિકૃત અધિકારીઓ, જમીન મૂલ્યાંકનકારો તેમજ ખેડૂતોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા અને રાણેકપર ગામના અસરગ્રસ્ત ખેડૂતોની જમીનના માર્કેટ રેટ સરકારના તા.04/07/2026ના ઠરાવની જોગવાઈઓ મુજબ પારદર્શક પદ્ધતિથી નક્કી કરવામાં આવ્યા હતા. સરકારના ઠરાવની જોગવાઈ મુજબ ત્રણ મૂલ્યાંકનકારો દ્વારા તેમના ભાવો બંધ કવરમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ખેડૂતોના પ્રતિનિધિઓની હાજરીમાં ત્રણ પૈકી બે ચીઠ્ઠીઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને તે મુજબ પસંદ થયેલા બંધ કવરો ખોલવામાં આવ્યા હતા. અને આ બંને ભાવોમાં 20 ટકાથી ઓછો તફાવત જણાતા, જોગવાઈ મુજબ બંને ભાવોની સરેરાશના આધારે જમીનના માર્કેટ રેટની ગણતરી કરવામાં આવી હતી. આ રીતે તમામ સર્વે નંબરોની જમીનનું વેલ્યુએશન કરવામાં આવતા રાણેકપર ગામની જમીનનો અગાઉનો ભાવ 13.46 લાખ પ્રતિ વિઘા હતો.

જે માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી કરાયેલા ભાવને જોગવાઈ મુજબ બમણો કરતાં હવે આશરે 72.81 લાખ પ્રતિ વિઘા ભાવ નિર્ધારિત થયો છે. આમ, અગાઉના ભાવની સરખામણીએ પાંચ ગણાથી પણ વધુ ભાવ નક્કી કરવામાં આવ્યો છે. માર્કેટ રેટ કમિટીના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર-જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધિત ટ્રાન્સમિશન કંપનીઓને માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી કરાયેલા ભાવ મુજબનું 100 ટકા વળતર અસરગ્રસ્ત ખેડૂતોને સાત દિવસમાં ચૂકવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

સાથોસાથ બેઠકમાં ઉપસ્થિત ખેડૂત પ્રતિનિધિઓ તેમજ અન્ય અસરગ્રસ્ત ખેડૂતોને સરકારની જોગવાઈ મુજબ માર્કેટ રેટ કમિટી સમક્ષ ભાવ નક્કી કરવાની પ્રક્રિયામાં પોતાના પ્રતિનિધિની પસંદગી કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

વીજ પોલ-તાર માટે જમીનની ઘટતી કિંમતનું વળતર કોણ આપશે ?: ખેડૂતનો સવાલ

મોરબી જિલ્લાના જેતપર સહિતના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વીજ પોલ અને હાઈટેન્શન લાઈન માટે જમીનના વળતર અંગે મહત્વનો સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં વીજ પોલ કે તાર પસાર થયા બાદ બાકી રહેલી જમીનની બજાર કિંમતમાં ઘટાડો થાય છે, તો આ ઘટતી કિંમતનું યોગ્ય વળતર ખેડૂતોને મળવું જોઈએ.MRC (Market Rate Committee) મુજબ વળતર નક્કી કરતી વખતે માત્ર પોલ ઊભો થયેલી જગ્યાનો જ નહીં, પરંતુ વીજ લાઈનના કારણે ખેતરની બાકી રહેલી જમીનની કિંમતમાં થતી અસરને પણ ધ્યાનમાં લેવાની ખેડૂતોની માંગ છે. ખેડૂતોનો મુખ્ય સવાલ છે કે જમીનની કિંમતમાં થતી આ ઘટાડાની સંપૂર્ણ ભરપાઈ કાયદેસર રીતે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવામાં આવશે?

RELATED ARTICLES

Most Popular

Recent Comments