ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા તાલુકાના રાજસ્થળી ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી હોવાથી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા એક-એક ફૂટ (0.30 મીટર) જેટલી ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી નદીમાં અંદાજે 4,800 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધવાની શક્યતા છે. જેને પગલે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાલિતાણા અને તળાજા તાલુકાના 17 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, શેત્રુંજી ડેમ એ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારનો સૌથી મોટો ડેમ છે, જે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાય છે. તે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રાજસ્થળી ગામ પાસે શેત્રુંજી નદી પર બાંધવામાં આવ્યો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમ ચાલુ ચોમાસાની સિઝનમાં ચોથી વખત સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થયો છે.

























