
મોરબી: ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસરૂપે મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા પંચાયત ખાતે વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા પ્રાથમિક વિભાગના 10 અને માધ્યમિક વિભાગના 10 મળી કુલ 20 બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ જળવાઈ રહે અને તેમનો આત્મવિશ્વાસ વધે તે હેતુથી મહાનુભાવોના હસ્તે તમામ 20 બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. શિક્ષણથી વંચિત બાળકોને ફરી શાળાકીય શિક્ષણની મુખ્યધારામાં લાવી તેઓ સતત અભ્યાસ સાથે જોડાયેલા રહે તેવો પ્રેરણાત્મક સંદેશ કાર્યક્રમ થકી આપવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં સેવા કાર્યના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સેવાકીય અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા પ્રયાસોને પ્રોત્સાહન આપવા આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, કારોબારી અધ્યક્ષ મનીષભાઈ કાંજીયા, જિલ્લા શિક્ષણ સમિતિના સદસ્ય પ્રફુલાબેન મેરજા, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ, જિલ્લા શિક્ષણાધિકારી કે. એમ. મોતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન. એ. મહેતા તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. બી. ગાંભવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સમગ્ર શિક્ષા મોરબી કચેરીનો સ્ટાફ, જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના કર્મચારીઓ, બીઆરસી-સીઆરસી કો-ઓર્ડિનેટરો તથા વિવિધ શિક્ષક સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રવીણભાઈ ભોરણીયાએ કર્યું હતું.





















