
મોરબી : શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ સામે આવેલા નવા હાઉસિંગ વિસ્તારમાં પ્રતિ વર્ષની પરંપરા મુજબ ‘હાઉસિંગ બોર્ડ કા રાજા’ નામના ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવ અંતર્ગત દરરોજ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે તા.18 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે કાન ગોપી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં રાજકોટના રાજ પટેલ કાન ગોપી ગ્રુપ દ્વારા વિશેષ ભક્તિમય રજૂઆત કરવામાં આવશે. ગ્રુપના કલાકારો કાન-ગોપીના પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ રાસની રમઝટ બોલાવશે અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓને કૃષ્ણભક્તિના રંગમાં રંગશે.

કાનાની મધુર મોરલીના સૂર અને તાલબદ્ધ રાસ સાથે ગોપી અને કાનાની ભક્તિને જીવંત કરતી મનમોહક રજૂઆત કરવામાં આવશે. પરંપરાગત નૃત્ય અને ભક્તિ સંગીતના સમન્વયથી સમગ્ર હાઉસિંગ બોર્ડ વિસ્તાર કૃષ્ણમય બની જશે અને ઉપસ્થિતોને જાણે દ્વાપર યુગની ભક્તિભરી ક્ષણોની અનુભૂતિ થાય તેવો માહોલ સર્જાશે.

રાસના તાલ સાથે ભક્તિનો રંગ વધુ ગાઢ બને અને કાનાની આરાધનામાં સમગ્ર વાતાવરણ રંગાઈ જાય તેવી આ વિશેષ રજૂઆત નિહાળવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને રહીશોને ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






















