
મોરબી : મોરબી શહેરમાં મણિમંદિર સામે આવેલા મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર મચ્છુ નદી તરફની લોખંડની જાળી તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. આ માર્ગ પર સતત વાહનોની અવરજવર તેમજ રાહદારીઓની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોવાથી તૂટેલી જાળી અકસ્માતનું જોખમ ઊભું કરી રહી છે.

મણિમંદિર સામેથી પસાર થતો મહેન્દ્ર ડ્રાઇવ રોડ શહેરના મહત્વના માર્ગોમાંનો એક છે. ખાસ કરીને રાત્રિના સમયે આ વિસ્તારમાં લોકોની અવરજવર વધુ રહેતી હોવા ઉપરાંત ખાણી-પીણીની લારીઓના કારણે પણ ભીડ જોવા મળે છે.

તૂટેલી જાળીના કારણે કોઈ વ્યક્તિનું સંતુલન બગડી નીચે ખાબકી જાય અથવા અકસ્માત સર્જાય તેવી શક્યતા સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે. માર્ગ પર સુરક્ષાત્મક દીવાલ કે જાળી તૂટેલી હોવાને કારણે બાળકો માટે પણ જોખમ ઊભું થઈ શકે છે.

જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઈ ગંભીર બનાવ બન્યા બાદ તંત્ર જાગે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જેથી મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરી જોખમી બનેલી લોખંડની જાળીનું સમારકામ અથવા નવી સુરક્ષાત્મક જાળી લગાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.






















