
મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીના મણિમંદિર ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૬૫૦૦ દીવા પ્રગટાવી ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી, મેયર, જિલ્લા કલેક્ટર, કમિશનર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જિલ્લામાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કુલ ૧,૬૦,૦૦૦ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ખાસ કરીને મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૫૧,૦૦૦ દીવા પ્રગટાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ઐતિહાસિક મણિમંદિર સહિત વિવિધ મંદિરો તેમજ વોર્ડ અને બુથ દીઠ દીવા પ્રગટાવી આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મણિમંદિર ખાતે યોજાયેલા ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત ૬૫૦૦ જેટલા દીવા પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો જોડાયા હતા. સમગ્ર મણિમંદિર પરિસરમાં દીવડાઓની રોશનીથી ભવ્ય અને આસ્થાભર્યું વાતાવરણ સર્જાયું હતું.

કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ જનભાગીદારી વધે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.

મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષથી દેશ માટે સતત કાર્યરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ પણ આ ઉજવણીનો એક ભાગ છે, જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા.





















