
મોરબી : ‘રક્તની જરૂરિયાતમાં, માનવતાનો સહારો’ના સંકલ્પ સાથે યુવા શક્તિ ફાઉન્ડેશન સંચાલિત ‘પ્રોજેક્ટ રક્તસેતુ’ દ્વારા વધુ એક જરૂરિયાતમંદ દર્દી માટે સમયસર દુર્લભ રક્તની વ્યવસ્થા કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વર્ષાબેન અમૃતલાલ આદ્રોજા માટે મોડી રાત્રે અતિ દુર્લભ ગણાતા ‘AB Negative’ (AB-) બ્લડની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી. AB Negative રક્તગ્રૂપ અત્યંત દુર્લભ હોવાથી તેની તાત્કાલિક વ્યવસ્થા કરવી પડકારરૂપ બની હતી.

દર્દીના પરિવારજનો દ્વારા મોડી રાત્રે યુવા શક્તિ ફાઉન્ડેશનની હેલ્પલાઇન પર સંપર્ક કરી રક્તની જરૂરિયાત અંગે જાણ કરવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી હેલ્પલાઇન એડમિન ટીમે તાત્કાલિક ફાઉન્ડેશનના સક્રિય સભ્ય જયદીપભાઈ અઘેરાનો સંપર્ક કર્યો હતો.

જરૂરિયાતની જાણ થતાં જ જયદીપભાઈ અઘેરાએ કોઈ વિલંબ કર્યા વિના મોડી રાત્રે મોરબીની સંસ્કાર બ્લડ બેંક ખાતે પહોંચી AB Negative રક્તદાન કર્યું હતું. સમયસર રક્ત મળી રહેતાં દર્દીની સારવાર આગળ વધારવામાં મદદ મળી હતી.

આ માનવતાભર્યા કાર્ય બદલ આદ્રોજા પરિવારે રક્તદાતા જયદીપભાઈ અઘેરા તથા યુવા શક્તિ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ‘હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન’ અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ દર્દીઓ સુધી સમયસર રક્ત પહોંચાડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા યુવાનો અને જાહેર જનતાને પણ આ સેવાકાર્યમાં જોડાઈ રક્તદાતા તરીકે નોંધણી કરાવવા અપીલ કરવામાં આવી છે. રક્તદાન માટે ફાઉન્ડેશનની 24 કલાક કાર્યરત હેલ્પલાઇન 93493 93693 પર સંપર્ક કરી શકાય છે.




















